નવીદિલ્હી,
આસામ અને મેઘાલય વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે થયેલા એમઓયુ પર સ્ટે મુકવા સામે બંને રાજ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. બંને રાજ્યો વચ્ચે થયેલા એમઓયુ પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. બંનેએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. શુક્રવારે સર્વોચ્ચ અદાલત આસામ અને મેઘાલયની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. બંને રાજ્યો તેમની વચ્ચે થયેલા એમઓયુ મુજબ સરહદ વિવાદ ઉકેલવા માંગે છે. જો કે હાઇકોર્ટે તેના પર સ્ટે મુક્યો છે.
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમા અને તેમના આસામ સમકક્ષ હિમંતા બિસ્વા સરમાએ ગયા વર્ષે ૨૯ માર્ચે ૧૨ વિવાદિત વિસ્તારોમાંથી ઓછામાં ઓછા છને સીમાંકન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા જે ઘણીવાર બંને રાજ્યો વચ્ચે તણાવ પેદા કરે છે. આ કરાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. મેઘાલય હાઈકોર્ટની સિંગલ બેન્ચે ગયા વર્ષે ૯ ડિસેમ્બરે સમજૂતી હેઠળ જમીન પર સરહદી ચોકીઓના ભૌતિક સીમાંકન અથવા બાંધકામ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે બંને રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દાખલ કરાયેલી રજૂઆતની નોંધ લીધી હતી. તેણે જણાવ્યું હતું કે આ મામલાને તાત્કાલિક સુનાવણીની જરૂર છે કારણ કે હાઇકોર્ટની સિંગલ અને ડિવિઝન બેન્ચે ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ આંતર-રાજ્ય સરહદ કરારના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે તેની સુનાવણી કરીશું. કૃપા કરીને અરજીની ત્રણ નકલો આપો.
અસમ અને મેઘાલય વચ્ચેનો સીમા વિવાદ ૫૦ વર્ષ જૂનો છે. જો કે, તાજેતરના સમયમાં તેને ઉકેલવાના પ્રયાસો ઝડપી બન્યા છે. બંને રાજ્યોની સરહદ લગભગ ૮૮૪.૯ કિલોમીટર લાંબી છે. મેઘાલય ૧૯૭૨ માં આસામમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ નવા રાજ્યે ૧૯૭૧ ના આસામ પુનર્ગઠન કાયદાને પડકાર્યો હતો, જેના કારણે ૧૨ સરહદ સ્થાનો પર વિવાદ થયો હતો.
દરમિયાન, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના વડા ગુરદીપ સિંહની અરજીને સુનાવણી માટે સ્વીકારી હતી. તેલંગાણા હાઈકોર્ટે તેને અવમાનના કેસમાં બે મહિનાની જેલની સજા સંભળાવી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા રાવ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સિંહ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી માટે સંમત થઈ હતી. આ કિસ્સામાં, એનટીપીસીના અધ્યક્ષને કેટલાક બિન-કાર્યકારી કર્મચારીઓની નિમણૂક સાથે સંબંધિત તિરસ્કારના કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તેની સુનાવણી કરશે. ૩૧ ડિસેમ્બરે તેલંગાણા હાઈકોર્ટે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપ સિંહને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી. આ સાથે હાઈકોર્ટે આ સજાને સ્થગિત રાખીને આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે છ સપ્તાહનો સમય આપ્યો હતો.