અમદાવાદ: સ્કૂલમાં પરીક્ષા આપવા જતાં બે વિદ્યાર્થીઓ ગાડીમાં ઘુસી ગયા, એકનું મોત

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે ઇન્દિરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બે વિદ્યાર્થીઓ વાહન લઇને સ્કૂલમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજે વહેલી સવારે ઇન્દિરા બ્રિજ પર બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. આ વિદ્યાર્થીઓ વાહન લઇને સ્કૂલમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ બન્ને વિદ્યાર્થીઓ વ્હીકલ પર જઇ રહ્યા હતા ત્યારે વાહનની બ્રેક ન લાગતાં અકસ્માત થયો હતો. વાહનની બ્રેક ન લાગતાં તેઓ આગળ જતી ગાડીમાં ઘુસી ગયા હતા. વિદ્યાર્થીઓ વાહન સાથે ગાડીમાં ધડાકાભેર અથડાયા હતા, જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે રસ્તા પર જઇ રહેલા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ તથા પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને કિશોર વયના છોકરાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ પણ તેમના બાળકોને નાની ઉંમરમાં વાહન આપતાં પહેલાં ચેતવું જોઇએ.