મને કૉલરથી પકડ્યો, ચેઇન તોડી નાખી અને મને જમીન પર પછાડ્યો : બ્રિટનના પ્રિન્સ હૅરીએ તેમના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પર ગંભીર આરોપો મૂક્યા

લંડન,

બ્રિટનના પ્રિન્સ હૅરીએ તેમના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પર ગંભીર આરોપો મૂક્યા છે. હૅરીએ તેની નવી બુકમાં વર્ણન કર્યું છે કે ૨૦૧૯માં કેવી રીતે વિલિયમે તેના પર ‘હુમલો’ કર્યો હતો. હૅરીએ ‘સ્પેર’ નામની બુકમાં તેનાં સંસ્મરણો લખ્યાં છે. એક બ્રિટિશ ન્યુઝપેપરના રિપોર્ટ અનુસાર આ બુકમાં આ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રિટિશ રૉયલ ફૅમિલીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આ બુક આ મહિનાના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે.

હૅરીએ લખ્યું હતું કે લંડનમાં તેમના ઘરે કિચનમાં તેમની વચ્ચે કોઈ બાબતે મતભેદ થયો હતો. એ સમયે વિલિયમે તેની વાઇફ મેઘન મર્કલને ‘ત્રાસદાયક’, ‘રુડ’ અને ‘કઠોર’ ગણાવી હતી. જેના પછી તેમની વચ્ચે સતત બોલાચાલી થતી.

પ્રિન્સ હૅરીએ તેમના પિતા કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં પોતે જશે કે નહીં એ બાબતે સ્પષ્ટ જણાવ્યું નથી. ઇન્ટરવ્યુમાં એના વિશે પૂછવામાં આવતાં હૅરીએ કહ્યું હતું કે ‘અત્યારે અને એ સમયની વચ્ચે ઘણું બધું બની શકે છે. જોકે દરવાજા હંમેશાં ખુલ્લા છે, તેમણે નક્કી કરવાનું છે. ઘણા બધાની ચર્ચા કરવાની જરૂર છે.’