દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયરની ચૂંટણી પહેલા જ ગૃહની અંદર ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે લડાઈ થઈ છે. સિવિક સેન્ટરમાં બંને પક્ષના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના એમસીડીના કાઉન્સિલરોના શપથ ગ્રહણ દરમિયાન બની હતી. પહેલા તમામ કાઉન્સિલરોને શપથ ગ્રહણ કરવાના હતા ત્યારબાદ મેયર પદ માટે ચૂંટણી યોજાવાની હતી. સિવિક સેન્ટરના વીડિયોમાં ભાજપ અને આપના કોર્પોરેટરો ઝપાઝપી કરતા જોવા મળ્યા હતાં જેને કારણે આજે મેયર પદની ચુંટણી થઇ શકી ન હતી.
આપના ગૃહના નેતા મુકેશ ગોયલે નોમિનેટેડ કાઉન્સિલરો સમક્ષ શપથ લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુકેશ ગોયલે કહ્યું કે ૨૫ વર્ષ સુધી આ ગૃહમાં અગાઉ ક્યારેય નોમિનેટેડ કાઉન્સિલરોની શપથવિધિ થઈ નથી. જો કે, આ દરમિયાન ભાજપના મેયર પદના ઉમેદવાર રેખા ગુપ્તા અને આપના ઉમેદવાર શેલી ઓબેરોય મૂક પ્રેક્ષક બનીને હંગામો જોતા રહ્યાં.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામાંક્તિ સભ્યોની પ્રથમ શપથવિધિ બાદ ગૃહમાં હોબાળો થયો છે. પ્રિસાઇડિંગ ઓફિસરના નિર્ણય સામે વાંધો ઉઠાવતા આમ આદમી પાર્ટીના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. દિલ્હી એમસીડી -મેયરની ચૂંટણીમાં ઝપાઝપી બાદ કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બંને પક્ષો તરફથી ભારે સૂત્રોચ્ચાર થયા હતા.એમસીડીની પ્રથમ બેઠકમાં જ હોબાળો થયો હતો. આ બેઠકમાં દિલ્હીની સંકલિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવાની હતી આજે સવારે કોર્પોરેશન હેડક્વાર્ટર સ્થિત સિવિક સેન્ટર ખાતે કાઉન્સિલરોને શપથ લેવાના હતા, પરંતુ હોબાળો થતાં ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું.કાઉન્સિલરોની શપથવિધિ સવારે ૧૧ વાગ્યે શરૂ થવાની હતી. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌપ્રથમ નામાંક્તિ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટી ના સભ્યોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. આપના વિરોધનો ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. આપના કોર્પોરેટરો પ્રિસાઇડિંગ ઓફિસરની સીટ પર ચઢી ગયા હતા. આ દરમિયાન કેટલાક કાઉન્સિલરો ખુરસી ઉપાડીને અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા. કેટલાક નીચે પડી ગયા. કેટલાકને ઈજા થઈ.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શેલી ઓબેરોયને મેયર પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ આશુ ઠાકુરને પણ વિકલ્પ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપ તરફથી મેયર પદ માટે કાઉન્સિલર રેખા ગુપ્તાએ ઉમેદવારી નોંધાવી છે. એ જ રીતે, આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી મેયર પદ માટે કાઉન્સિલર આલે મોહમ્મદ ઈકબાલને મેદાનમાં ઉતાર્યા છે. કાઉન્સિલર જલજ કુમારે પણ વિકલ્પ તરીકે નામાંકન કર્યું છે.
બીજી તરફ ભાજપે આ પદ માટે કમલ બગડીને મેદાનમાં ઉતાર્યા છે. એ જ ક્રમમાં, મોહિની, સારિકા ચૌધરી, મોહમ્મદ આમિલ મલિક અને રામિંદર કૌર સ્થાયી સમિતિના સભ્યો માટે આપ તરફથી મેદાનમાં છે, જ્યારે ભાજપે આ પદો માટે કમલજીત સેહરાવત અને પંકજ લુથરાને નામાંક્તિ કર્યા છે. સ્થાયી સમિતિના સભ્ય માટે અપક્ષ કાઉન્સિલર ગજેન્દ્રસિંહ દરાલ પણ મેદાનમાં છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, ’એમસીડીમાં પોતાના કુકર્મ છુપાવવા માટે બીજેપીના લોકો કેટલા નીચા જશે ! ચૂંટણી મોકૂફ રાખવામાં આવી , પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરકાયદેસર નિમણૂક, નોમિનેટેડ કાઉન્સિલરોની ગેરકાયદે નિમણૂક અને હવે લોકો દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવતા નથી. જનતાના ચુકાદાને માન આપી શક્તા નથી તો ચૂંટણી શા માટે?
આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, નામાંકીત સભ્યોની પહેલા શપથ નથી થતી, ભાજપ પરંપરા બદલી રહી છે. તેમના લોકો અમારા કાઉન્સિલરોને ગૃહની અંદર મારી રહ્યા છે. સંજયે સવાલ કરતાં કહ્યું કે દિલ્હીની જનતાએ ચૂંટણીમાં ભાજપના નેતાઓને હરાવ્યા તો શું હવે તેમના નેતાઓ અમારા લોકોના જીવ લેશે.
ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, અમારી પાર્ટી સત્તામાં છે અને અમારી ઓછા નંબર છે. આ સિવાય અમારી સાથે ગુંડાગીરી થઈ રહી છે. છછઁએ ગૃહને ગુંડાગીરીનો અખાડો બનાવ્યો, કારણકે તેમને ડર છે કે મેયરની ચૂંટણીમાં તેમના કાઉન્સિલરો જ તેમનો સાથ નહીં આપે. દિલ્હી કોંગ્રેસ-અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું હતું કે દિલ્હીના લોકોએ આપને સમર્થન આપ્યું છે. જનતાનું સન્માન કરતા અમે લોકો મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની ચૂંટણી નહીં લડીએ.આપને બહુમત મળ્યો તો કેજરીવાલ પોતાનો મેયર બનાવે અને દિલ્હીની જનતાની સેવા કરે.
કોંગ્રેસની ગેરહાજરીમાં ૧૩૩નો આંકડો જરૂરી છે. આપ પાસે ૧૩૪ કાઉન્સિલર છે. આ સિવાય રાજ્યસભાના ૩ સાંસદ અને ૧૩ ધારાસભ્ય છે. ભાજપ પાસે ૭ સાંસદો અને ૧ ધારાસભ્ય સહિત કુલ ૧૧૩ મત છે. ત્યાં કોંગ્રેસના ૯ અને અપક્ષના બે કાઉન્સિલર છે.