૧૭મું પ્રવાસી ભારતીય સંમલેન ઈન્દૌરમાં ૮-૧૦ જાન્યુઆરીએ

નવીદિલ્હી,

મધ્યપ્રદેશ ના ઇન્દોરમાં ૮ થી ૧૦ જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે તે અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના સચિવ ઓસાફ સઇદે કહ્યું કે ઈન્દોરમાં ૮-૧૦ જાન્યુઆરી વચ્ચે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થશે. એમાં ૭૦ દેશોના ૩૫૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરશે. આ અવસર નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ગુયાનાના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.

ઓસાફ સઈદે ઉમેર્યુ કે ૧૭મા પ્રવાસી ભારતીય દિવસનો વિષય છે – ’’પ્રવાસી:અમૃત કાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્ર્વસનીય ભાગીદાર છે.’’ તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ૧૭મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના પ્રથમ દિવસે વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર સાથે ભાષણ આપશે. ૧૭મા પ્રવાસી ભારતીય દિવસનો પ્રથમ દિવસે – ’’યુવા પ્રવાસી ભારતીય દિવસ. જ્યારે અધિવેશનના પૂર્ણ સત્રોમાંથી એક ’ઇનોવેશન અને ન્યૂ ટેકનોલોજીમાં પ્રવાસી યુવાનોની ભૂમિકા’ પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારત અને ફ્રાન્સે આજે દિલ્હીમાં વ્યૂહાત્મક સંવાદ યોજ્યો. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કર્યું અને ફ્રાન્સના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના કૂટનીતિક સલાહકાર ઈમેનુઅલ બાનોએ કર્યું. ભારત અને ફ્રાન્સે સંઘર્ષના સંદર્ભમાં વર્તમાન વૈશ્ર્વિક સુરક્ષા સ્થિતિ અને યુક્રેન, અફઘાનિસ્તાનના સંદર્ભમાં ક્ષેત્રીય સુરક્ષા અને સાયબર સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બાનોએ વિદેશમંત્રીને મળ્યા અને હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.