રાજકોટ,
ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-૨૦ મેચની શ્રેણીમાં ત્રીજી અને ફાઈનલ મેચ ૭ જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણ રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે, કારણ કે અત્યારસુધીમાં રમાયેલી મેચમાં શ્રેણીની ફાઇનલ મેચ રાજકોટમાં રમાઈ નથી. ત્યારે આ મેચની માટે પિચ અને મેદાનને સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યાં છે તેમજ બેઠક વ્યવસ્થાને પણ સુસજ્જ કરી દેવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. આ સાથે મેદાનની અંદર ચાર મોટી એલઇડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે, જેમાં પણ લોકો સ્ક્રીનમાં લાઇવ મેચ નિહાળી શકશે. ચોગ્ગા-છગ્ગા કે વિકેટ પર ડીજેના તાલે ૨૫ હજારથી વધુ લોકો ઝૂમી ઊઠશે.
સ્ટેડિયમના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે આ વખતે સરસ આયોજન રાખ્યું છે કે લોકો સેફલી આવીને જઈ શકે. મારે પ્રેક્ષકોને કહેવું છે કે પોતાની જાતને સેફ રાખવા માટે બધા માસ્ક પહેરીને આવે એવી અપીલ છે. સરકાર તરફથી અમને કોવિડ-૧૯ના પાલન માટે કોઈ સૂચના આવશે એ અમે અમલ કરીશું. મેચમાં સરસમાં સરસ ડીજે હશે. બીજું અહીંનું વાતાવરણ પણ સારું રહેશે. પ્રથમ વખત રાજકોટમાં ટી-૨૦ મેચની ફાઈનલ મેચ છે તો એ યાદગાર બનશે, કારણ કે અહીંથી આપણે વિજેતા ટીમને કપ આપીશું. આપણા સ્ટેડિયમની પિચ ટી-૨૦ માટે છે, રનનો ખૂબ જ વરસાદ થશે. રાજકોટનો મેચ રોમાંચક રહેશે અને આશા છે કે ભારત જ જીતે.
રાજકોટના-જામનગર રોડ પર આવેલા એસસીએ સ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી-૨૦ મેચ રમાવાની છે. સ્ટેડિયમમાં ૨૫ હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે, બધી જ બેઠકનું બુકિંગ થઈ ચૂક્યું છે. સાંજના ૭ વાગ્યાથી મેચ શરૂ થશે, જેનું લાઈવ પ્રસારણ ૩૦ કેમેરા, બે જીમી, એક બગી અને એક ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત મેચમાં સ્પાઇડર કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજે વગાડી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે, જ્યારે જીત બાદ ભવ્ય આતશબાજી સાથે વિનિંગ સેલિબ્રેશન સેરેમની યોજાશે.