સોમાલિયામાં આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા ૩૫ થઇ, ૮૦ લોકોની હાલત હજુ પણ ગંભીર

મહાસ,

સોમાલિયામાં બુધવારે વહેલી સવારે થયેલા બે આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને ૩૫ થઈ ગઈ છે. મૃતકોમાં એક જ પરિવારના ૧૦થી વધારે લોકોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે અલ-શબાબના આતંકવાદીઓએ સરકારની કાર્યવાહીના જવાબમાં આ હુમલા કર્યા હતા. મહાસ જિલ્લાની એક હોસ્પિટલના ડૉક્ટર ડૉ. યાહાયે અબ્દીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ૮૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૩૦ને વધુ સારી સારવાર માટે રાજધાની મોગાદિશુમાં એરલિટ કરવામાં આવ્યા હતા.

એક ઑનલાઈન અહેવાલ પરથી માલૂમ પડે છે કે, આ હુમલો આતંકી સંગઠન અલ-શબાબના જેહાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ સોમાલિયાની સેનાએ તાજેતરમાં જ આ વિસ્તારમાં અલ-શબાબ વિરૂધ કરેલી મોટી કાર્યવાહીનો વળતો જવાબ હોવાનું માનાવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અલ-શબાબ આતંકી સંગઠને અગાઉ પણ સોમાલિયામાં ઘણી મોટી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગુરુવારે ઘરોના કાટમાળમાંથી કેટલાક લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ હિરાન ક્ષેત્રમાં એક લશ્કરી વિસ્તારને નિશાન બનાવ્યો હતો, જે અલ-શબાબના સરકારના વિરોધના કેન્દ્ર તરીકે કામ કરે છે. હિરન ક્ષેત્રના મહાસ જિલ્લામાં સવારની નમાજ બાદ આ હુમલો થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૨૯ ઑક્ટોબરના રોજ સોમાલીયાની રાજધાની મોગાદિશુમાં એજ્યુકેશન મિનીસ્ટ્રી બહાર પણ બે કારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં ૧૨૯ જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના સોમાલિયામાં છેલ્લા ૪ વર્ષમાં થયેલી સૌથી મોટી આતંકી ઘટના હોવાનું કહેવામાં આવે છે. ત્યારે ફરી એક વખત આજ પદ્ધતિથી અને એજ રીતની મોડસ ઑપરેન્ડીથી કારમાં બ્લાસ્ટ કરી આતંકવાદીઓ મહાસ વિસ્તારમાં આતંકનો માહોલ પેદા કરવાનો પ્રયાસ થયો છે. મહાસમાં બ્લાસ્ટની ઘટનામાં પણ સત્તાવાર મૃત્યુઆંક કરતા વધારે લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે.