પાકિસ્તાનમાં શ્રીલંકા જેવી હાલત: ચિકનના ૬૫૦ રૂપિયા; ગેસ સિલિન્ડરના ૧૦,૦૦૦ રૂપિયા,

ઇસ્લામાબાદ,

વર્ષ ૨૦૨૨માં ભારતના પાડોશી દેશ શ્રીલંકા કંગાળ થઈ ગયો, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો, રાજકીય રીતે પણ ઘમાસાણ મચેલો હતો. હવે નવું વર્ષ ૨૦૨૩ શરુ થઈ ગયું છે અને શ્રીલંકા જેવી જ હાલત હવે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં થવા જઈ રહી છે. જ્યાં મોંઘવારી દર આકાશે આંબી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓથી લોકો દૂર થતાં જાય છે અને વિદેશ મુદ્રા ભંડારમાં પણ ઘટાડો આવી રહ્યો છે.

શ્રીલંકાની માફક પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. દેશની સરકારે પણ માની લીધું છે. પાકના રક્ષામંત્રીએ ખુદ કહ્યું કે, દેશ હાલમાં ગંભીર સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ હોય કે, ખાવા પીવાનો સામાન અથવા તો રસોઈ ગેસ અને વિજળી દરેક વસ્તુ ખરીદવી લોકો માટે ભારે થઈ પડ્યું છે. દેશમાં મોંઘવારીની હાલત એવી છે કે, ફુગાવો દર ડિસેમ્બર ૨૦૨૨માં વધીને ૨૪.૫ ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત પાકિસ્તાન માથે દેવુ પણ વધી રહ્યું છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ શ્રીલંકાની માફક ભૂંડી થઈ છે. અહીં મોંઘવારીએ હાહાકાર મચાવેલ છે. તેનો અંદાજ ચિકન અને એલપીજીના ભાવ સાંભળીને લગાવી શકો છો. દેશમાં ચિકન અને મીટ સામાન્ય લોકો ખરીદી શકે તેમ નથી. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ચિકન ૬૫૦ રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યું છે. જો આવી જ સ્થિતી રહી તો, આગામી દિવસોમાં તે ૮૦૦ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જશે. એલપીજી ગેસની વાત કરીએ તો, કૉમર્શિઅલ ગેસ સિલિન્ડરના ભાવ ત્યાં ૧૦,૦૦૦ રૂપિયા છે. વધતા ભાવને લઈને લોકો પ્લાસ્ટિક બેગમાં એલપીજી સ્ટોર કરવા મજબૂર છે.

પાકિસ્તાનમાં ગેસ ચિકન ઉપરાંત લોટ, ખાંડ અને ઘીના ભાવમાં પણ વાર્ષિક આધાર પર ૨૫થી ૬૨ ટકા સુધીનો વધારો થયો છે. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઘઉંનું સંકટ પર મંડરાઈ રહ્યું છે. દેશમાં કેટલાય ભાગમાં ઘઉંની કમી વર્તાઈ રહી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, આવનારા દિવસોમાં પાકિસ્તાનના લોકોની બે ટંકના રોટલા પણ નહીં મળે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદમાં રોજના ઘઉંનું વેચાણ ૨૦ કિલોના ૩૮,૦૦૦ રૂપિયા છે, પણ અહીં ચાલતી ૪૦ લોટ મિલમાં ૨૧,૦૦૦ બેગ્સનું જ વેચાણ થઈ રહ્યું છે.

એક તરફ સ્થાનિક લોકો ઘઉંની કમીનો સામનો કરી રહ્યા છે. તો વળી બીજી તરફ સરકાર તેના માટે રાજ્યો માથે ઠીકરુ ફોડી રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાન સરકાર સામે વીજળીની કમી પણ વિકરાળ સમસ્યા બનીને સામે આવી છે. તેનો અંદાજ લગાવાની જરુર નથી કે, તેના માટે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે વિજળીનો વપરાશ ઘટાડવા માટે કેટલાય આદેશ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં પાવર સપ્લાઈ માગથી લગભગ ૭૦૦૦ મેગાવોચ ઓછી છે.

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સ્થાનિક મીડિયા ઈંતેખાબ ડેલીના જણાવ્યા અનુસાર, દેશની ગરીબી દર માં ૩૫.૭ ટકાનો વધારો નોંધાયો છે. તેને લઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ગરીબી સૂચકાંકની યાદીમાં ૧૧૬માંથી ૯૨માં સ્થાન પર આવી ગયું છે. રિપોર્ટમાં કહ્યું કે, જો દેશમાં ઝડપથી વધતી મોંઘવારીને કાબૂ કરવામાં નહીં આવે તો, ખાદ્ય સુરક્ષા પર મોટુ સંકટ આવશે. કારણ કે, પહેલાથી પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ, અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ, ક્લાઈમેન્ટ ચેન્જ અને મોંઘવારીમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બદતર થઈ ચુકી છે.