મહીસાગર,
મહિસાગર જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અંગેની સમિક્ષા બેઠક જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે યોજાઇ હતી.
આ બેઠકમાં સચિવ અશ્ર્વિનીકુમારે જિલ્લાના અમલીકરણ અધિકારીઓના પ્રોગ્રેસિવ રીપોર્ટની ચકાસણી કરી આવનાર સમયમાં જિલ્લાના વિકાસ માટે શું આયોજન છે તેમજ કેવા કેવા પગલા લેવા તે અંગે તેઓએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
સચિવએ સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા તેનો જિલ્લામાં સારી રીતે અમલ કરી શકાય તે અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં તેઓએ કોરોનાની આવનારી કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ઓક્સિજન, આઇ.સી.યુ બેડ, વગેરે અંગે કરેલી તૈયારીઓની સમીક્ષા કરતા જરૂરી સુધારાઓ તથા સુચનો કર્યા હતા.
પ્રભારી સચિવ જણાવ્યું હતુ કે, રાજય અને કેન્દ્ર સરકાર દ્રારા નાગરિકોની સુખાકારી માટે ચાલતી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે જોવા તેમજ આ લાભો નિયમોનુસાર અને ત્વરીત આપવા જણાવ્યું હતું.
જિલ્લાના વિવિધ અધિકારીઓ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મહિસાગર જિલ્લા અંગેનો પ્રોગ્રેસીવ અહેવાલ રજૂ કરાયો. જેમા વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત બાકી કામગીરી,જિલ્લાના પ્રવાસન સ્થળના ચાલતા પ્રોજેક્ટ,પ્રધાનમંત્રી આવાસ યોજના, આઇસીડીએસ વિભાગ , આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન યોજનાઓ વગેરે ક્ષેત્રે થયેલી કામગીરી વિસ્તૃત પુર્વક રજુ કરવામાં આવી.
આ બેઠકમાં પોલીસવડા આર.પી.બારોટ, આસિસ્ટન્ટ કલેક્ટર, પ્રાયોજના વહીવટદાર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, આયોજન અધિકારી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.