પંચમહાલના ગોધરા સહિતના તાલુકા અને ગામોમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું ચોરી છુપીથી થતાં વેચાણ અટકાવવા વહીવટી તંત્ર અને પોલીસ સજજ બને તે જરૂરી

  • ચાઈનીઝ દોરીના વેચાણમાં વધુ નફો મળતો હોવાથી ધંધાદારીઓ ચોરી છુપીથી વેચાણ કરતાં અટકાવવા જરૂરી.

ગોધરા,

ઉત્તરાયણના પર્વને માત્ર સપ્તાહનો સમય બાકી રહ્યો છે. તે પહેલા રાજ્યમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીથી મોત અને ધાયલ થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુકયા છે. ચાઈનીઝ દોરી માણસ અને પશુપક્ષીઓ માટે પ્રાણધાતક સાબિત થઈ રહી છે. ત્યારે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવવા માટે રાજ્યભરમાં રેઈડ કરીને ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં પતંગ દોરીનો વ્યવસાય કરતાં ધંધાદારીઓને ચાઈનીઝ દોરી માંથી વધારે નફો મળતો હોવાથી છુપી રીતે વેચાણ કરતાં હોય છે. અત્યાર સુધી પંચમહાલ જીલ્લાના શહેરા અને ગોધરા ખાતેથી નામ પુરતો ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. તેની સાથે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર જાણે જીલ્લામાં પતંગ દોરીના ધંધાદારીઓ જાણે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ન હોય તે રીતે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરાઈ નથી.

પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા(હ) અને શહેરા તાલુકામાં ઉત્તરાયણના પર્વમાં પતંગ દોરીનો ધંધો કરતા વેપારીઓને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી માંથી નફો વધારે મળતો હોવાથી ચોરી છુપીથી દુકાનના સ્થળે નહિં પણ ગોડાઉનોમાં ચાઈનીઝ દોરી રાખીને વેચાણ કરતા હોય છે. પંચમહાલ જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્રી અને પોલીસ સક્રિય થતી હોય છે અને ઉત્તરાયણ પર્વના છેલ્લા બે દિવસોમાં વિવિધ દુકાનો અને ગોડાઉનો ઉપર રેઈડ કરીને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ઝડપી પાડવા કાર્યવાહી કરતા હોય છે. તે પહેલા પ્રતિબંધીત પ્રાણધાતક દોરીનો ઉપયોગ કરવા ઈચ્છુક પતંગ રસીયા આવી દોરીની ખરીદી અગાઉથી કરી લેતા હોય અને તેમાં પણ વેપારીઓ હોંશીયાર થઈ ગયા છે. તે ગ્રાહકને ઓળખીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. હવે જ્યારે ઉત્તરાયણના પર્વને સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે આવી જીવલેણ દોરીના થતાં વેચાણ પહેલા અટકાવવા પ્રયત્ન કરે તે જરૂરી છે.

Don`t copy text!