- યાત્રાનો હેતુ શું: જેઓ દેશ કરતા પક્ષને આગળ મુકે છે તે કઈ રીતે ભારત જોડી શકે.
લખનૌ,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે ઉતરપ્રદેશમાં પ્રવેશી રહી છે તે સમયે રામ જન્મભૂમિ ચળવળ અને હવે ટ્રસ્ટ સાથે જોડાયેલા વિશ્ર્વ હિન્દુ પરિષદના બે ટોચના અગ્રણીઓ દ્વારા યાત્રાની કરવામાં આવેલી પ્રશંસા બાદ રાજયના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે એક પ્રતિભાવમાં કહ્યું કે દરેક વ્યક્તિને તેના કાર્યક્રમ કરવાનો અધિકાર છે. અમો લોકોની લાગણીનું સન્માન કરીએ છીએ. યોગીએ કહ્યું કે પ્રશ્ર્ન એ છે કે તમારો ઈરાદો શું છે અને તમારી મહત્વાકાંક્ષા શું છે! જો તમો દેશને જોડવા માંગતા હો તો તે તમારા કામ અને વિધાનોમાં પણ ઝળકવું જોઈએ.
અમો પક્ષ કરતા દેશને આગળ ધરીએ છીએ પરંતુ અનેક લોકો માટે દેશ કરતા પક્ષ મહાન છે તમો જો તવાંગ અને તેવી ઘટનાઓ પર નજર કરો તેઓએ (રાહુલે) કેવા નિવેદન કર્યા હતા હું માનું છું કે એ વિધાનો દેશને જોડવા માટેના નહી પણ ભાગલા પાડવા જેવા અને દુશ્મનોને પ્રોત્સાહીત કરવા જેવા હતા. આપણે તેવા વિધાનો કરવા જોઈએ નહી.
વિશ્ર્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અને રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાવે પણ રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાને આ અગાઉ રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહામંત્રી તથા વિશ્ર્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ ચંપત રાયે તેમના સાથી સત્યેન્દ્રદાસ દ્વારા યાત્રાને શુભેચ્છા આપવામાં આવી તેના પર પ્રતિભાવ આપતા કહ્યું કે કોણે યાત્રાની ટીકા કરી છે! હું આરએસએસનો સ્વયંમસેવક છું. શું સંઘે કોઈપણ રીતે યાત્રાની ટીકા કરી છે! શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રાની ટીકા કરી છે! એક યુવાન પગે ચાલીને દેશને સમજવા પ્રયાસ કરતો હોય તો તે આવકાર્ય છે.
આ હવામાનમાં ૫૦ વર્ષનો યુવાન પગે ચાલીને ૩૦૦૦ કિલોમીટરની યાત્રા કરે છે. આપણે તેની પ્રશંસા કરવી જોઈએ અને દરેકે આ રીતે દેશને સમજવા માટે યાત્રા કરવી જોઈએ. હનુમાનમઢી મંદિરના મહંત અને ઉતરાધિકારી સંજયદાસે કહ્યું કે અમારા ગુરૂ જ્ઞાનદાસજી મહારાજને યાત્રાને જોડાવા આમંત્રણ મળ્યું છે પણ અમો હાલ સમયે ગંગાસાગર છીએ તેથી યાત્રાને શુભેચ્છા મોકલી છે.
દેશને જોડાવા માટેના કોઈપણ પ્રયાસને આવકારવા જોઈએ. શ્રી રામ જન્મભમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદરાયે પણ યાત્રાને શુભેચ્છા આપતા કહ્યું કે જેઓ ભગવાન રામનું નામ લે અને જેઓ ભારત માતાનું નામ લેતા હોય તેને અમારા આશિર્વાદ અને શુભેચ્છા છે.
ઉતરપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફક્ત અઢી દિવસ જ ચાલશે પણ બાગપત સહિતના ક્ષેત્રમાં યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે ભારે ધસારો થતા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો જેમાં અનેક ગ્રામ્યજનો ઘાયલ થતા લોકોનો ગુસ્સો વધ્યો હતો.ગઈકાલે ઉતરપ્રદેશના જાટ લેન્ડ તરીકે ઓળખાતા બાગપત સહિતના ક્ષેત્રોમાં આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તે સમયે સરૂરપુર ગામે રાહુલને મળવા અને હાર પહેરાવવા તથા રાહુલને તિરંગો આપવા યુવકોએ જબરો ધસારો કર્યો હતો અને રાહુલની સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલી પડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.