મુંબઇ,
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર-બેટર ૠષભ પંતને દહેરાદૂનથી મુંબઈ ખસેડવામાં આવ્યો છે. પંતની સારવાર હવે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કરવામાં આવશે. બીસીસીઆઈએ નિવેદન જારી કરી કહ્યું છે કે હોસ્પિટલના સ્પોર્ટસ મેડિસિન એન્ડ ઑર્થોસ્કોપી હેડ ડૉક્ટર દિનશા પારડીવાલાની દેખરેખમાં પંતની સારવાર થશે.
દિનશા પારડીવાલા એ જ ડૉક્ટર છે જેમણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, ઑલરાઉન્ડર યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોની સાથે સાથે અનેક ઑલિમ્પિક એથ્લીટને સાજા કરી દીધા છે. મુંબઈમાં પંતના લિગામેન્ટની સર્જરી થશે અને ત્યારબાદની તમામ સારવાર અહીં જ થશે.
૨૫ વર્ષીય પંતને દહેરાદૂનની હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લાવવામાં આવ્યો હતો જ્યાં તેની વ્યાપક સારવાર થશે. પંતને ૩૦ ડિસેમ્બરે કાર દૂર્ઘટનામાં આખા શરીરે ઈજાઓ પહોંચી હતી. પંતને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લાવવામાં આવ્યો કેમ કે તે પ્રોફેશ્ર્નલ એરલાઈનથી ઉડાન ભરવાની સ્થિતિમાં નહોતો. પંત એક ભયાનક કાર દૂર્ઘટનામાં માંડ માંડ બચ્યો હતો જ્યારે તે દિલ્હીથી પોતાના ઘેર રુડકી જઈ રહ્યો હતો. પરંતુ નેશનલ હાઈ-વે પર તેણે કાબૂ ગુમાવી દેતાં તેની કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. પંતના માથા ઉપર ઈજાના નિશાન હતા, પીઠમાં ગંભીર ઈજા સાથે સાથે તેના ઘૂંટણ ઉપર પણ ઈજા પહોંચી હતી. મોટાભાગની ઈજાઓ સામાન્ય હતી પરંતુ એડી અને ઘૂંટણની ઈજા ચિંતાજનક છે.
મુંબઈમાં સારવાર માટે દાખલ ૠષભ પંતને સૌથી ખતરનાક ઈજા તેના ઘૂંટણમાં થઈ છે જેના કારણે તેનું લિગામેન્ટ ફાટી ગયું હતું. મુંબઈમાં તેના એમઆરઆઈ સ્કેન કરવામાં આવશે જેના કારણે ઈજાની ગંભીરતાનો ખ્યાલ આવી જશે પરંતુ એટલું સાફ થયુું છે કે પંત ઓછામાં ઓછા નવ મહિના સુધી પંતની વાપસી થવાની શક્યતા નથી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે જરૂર પડ્યે પંતને સર્જરી માટે લંડન મોકલવામાં આવશે. એકવાર ડૉક્ટરોને લાગે કે તે મુસાફરી કરવા માટે સક્ષમ છે એટલે તેને લંડન મોકલવામાં આવશે.
પંતને ગંભીર ઈજાઓ પહોંચતાં તે આઈપીએલમાં રમી શકવાનો નથી ત્યારે એ સવાલો ઉઠવા લાગ્યા કે શું આઈપીએલ નહીં રમવા છતાં પંતને તેની ૧૬ કરોડ રૂપિયા ફી મળશે ? અહેવાલો પ્રમાણે પંતને દિલ્હી કેપિટલ્સ ૧૬ કરોડ રૂપિયા ફી ચૂકવે છે પરંતુ હવે તે રમવાનો નથી છતાં તેને ૧૬ કરોડ રૂપિયા મળશે જ પરંતુ આ પૈસા તેને દિલ્હી કેપિટલ્સ નહીં બલ્કે બીસીસીઆઈ આપશે. નિયમ પ્રમાણે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને બોર્ડ એક વીમો આપે છે. જો આ ખેલાડી આઈપીએલ પહેલાં ઈજાગ્રસ્ત થઈ જાય છે અથવા તેનો અકસ્માત થાય છે તો તેને બીસીસીઆઈ સંપૂર્ણ ચૂકવણું કરે છે. આ નિયમ ૨૦૧૧થી લાગુ થયો હતો.