મુંબઇ,
આઇસીસીએ ગુરુવારે તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. આ અંતર્ગત ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ આઇસીસી ટી ૨૦ બેટ્સમેનની રેન્કિંગ માં છલાંગ લગાવી છે. ત્રણેયને બમ્પર ફાયદો થયો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગ માં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે.
સૌથી પહેલા વાત કરીએ ઈશાન કિશનની જેણે તાજેતરમાં જ વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. તેણે શ્રીલંકા સામે ટી 20 શ્રેણીની પ્રથમ મેચમાં ૩૭ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઈશાને બેટ્સમેનોની રેન્કિંગ માં ૧૦ સ્થાનની મોટી છલાંગ લગાવી છે. હવે ઈશાન કિશન ૨૩મા નંબરે પહોંચી ગયો છે.
જ્યારે શ્રીલંકા સામેની ટી ૨૦ સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવેલ હાર્દિક પંડ્યા ૫૦મા નંબર પર પહોંચી ગયો છે. એટલે કે તેણે ટોપ-૫૦માં પ્રવેશ કર્યો છે. આ સિવાય સ્પિન ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પણ બમ્પર ફાયદો થયો છે. હુડ્ડાએ બેટ્સમેનોની રેન્કિંગ માં ૪૦ સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે.
શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટી ૨૦ મેચમાં દીપક હુડ્ડા છવાયો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં દીપક હુડ્ડાએ ૨૩ બોલમાં ૪૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આનાથી તેને બમ્પર ફાયદો થયો અને તેણે ૪૦ સ્થાનની છલાંગ લગાવીને ટોપ-૧૦૦માં પ્રવેશ કર્યો છે. હવે દીપક હુડ્ડા ૯૭મા નંબરે પહોંચી ગયો છે.ટી ૨૦ રેન્કિંગ માં ભારતનો સૂર્યકુમાર યાદવ ૮૮૩ રેટિંગ સાથે ટોપ પર છે.
આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. સ્ટીવ સ્મિથે દક્ષિણ આફ્રિકા સામે મેલબોર્ન ટેસ્ટમાં ૮૫ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આનાથી તેને ફાયદો થયો અને તે એક ક્રમના ફાયદા સાથે બીજા નંબર પર પહોંચી ગયો છે. આ મામલે સ્મિથે બાબર આઝમને પાછળ છોડી દીધા છે. પાકિસ્તાની કેપ્ટન બાબર એક સ્થાન સરકીને ત્રીજા નંબર પર આવી ગયો છે. જો કે ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ટોપ પર છે.