મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના વંદેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના નામે માત્ર પોતાના વિકાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વંદેલી પંચાયત વિસ્તારમાં 50 લાખ રૂપીયાના સી.સી.રોડની કામગીરી સ્થળ ઉપર બન્યા વગર કયાં પગ કરી ગયા તેની હજી ગ્રામજનોને ખબર ન પડતાં ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
મોરવા(હ) તાલુકાના વંદેલી ગ્રામ પંચાયતના સરપંચનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થયો છે અને હાલમાં વહીવટદાર મુકવામાં આવ્યા છે. ત્યારે વંદેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં 2018-20માં થયેલ વિકાસના કામોની યાદી જોતાં વંદેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં સી.સી.રોડના 50 લાખના કામો થયેલ હોવાનું વિકાસલક્ષી ફાઈલમાં દર્શાવવામાં આવ્યું છે. પરંતુ ગામમાં સી.સી.રોડના કામો કરવામાં આવ્યા નથી. ત્યારે આ સી.સી.રોડ માટેના 50 લાખ રૂપીયા કોના વિકાસમાં વાપરવામાં આવ્યા. ગામના સરપંચ અને તલાટીના મેળાપીપણામાં 2018-20ના વર્ષમાં ગામના મંજુર થયેલ 50 લાખના સી.સી.રોડના નાણાંનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વંદેલી સરપંચ અને તલાટી દ્વારા માત્ર સી.સી.રોડ નહિ પરંતુ અન્ય વિકાસના કામો તેમજ મનરેગા યોજનાના કામોમાં ભારે ભ્રષ્ટાચાર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સરપંચ અને તલાટી દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ગેરરીતિનો મોટા કૌભાંડ ખુલે તેમ લાગી રહ્યું છે.