નવીદિલ્હી,
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગૂલી ફરીવાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોવા મળશે. અહેવાલો પ્રમાણે ફ્રેન્ચાઈઝીમાં નવી જવાબદારી મળશે. તેઓ ટીમમાં ડાયરેક્ટર ઑફ ક્રિકેટની જવાબદારી સંભાળશે મતલબ કે તેઓ ફ્રેન્ચાઈઝીની ત્રણેય ટીમોમાં ડાયરેક્ટર બનશે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીની બે અન્ય ટીમો દુબઈની ઈન્ટરનેશનલ લીગ ટી-૨૦ (આઈએલટી-૨૦) અને સાઉથ આફ્રિકાની ટી-૨૦ લીગ (એસએ ૨૦)માં ભાગ લેશે. ગાંગૂલીને ઑક્ટોબર-૨૦૨૨માં બીસીસીઆઈના પ્રમુખપદેથી હટાવવામાં આવ્યા હતા.
ગાંગૂલી આ પહેલાં પણ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. તેઓ ટીમમાં મેન્ટોરની જવાબદારી ભજવી રહ્યા હતો. આ પહેલાં તેમણે આઈપીએલમાં કેપ્ટન-પ્લેયર તરીકે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને પૂણે વોરિયર્સ ઈન્ડિયાની ટીમ વતી મેચ રમી હતી. તેઓ પૂનાની ટીમમાં કેપ્ટનની સાથે મેન્ટોર પણ હતા. ગાંગૂલી ૨૦૧૯માં બીસીસીઆઈના પ્રમુખ બન્યા હતા.
તેમણે ૨૦૨૨માં પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમની જગ્યાએ ૧૯૮૩ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા રોજર બિન્નીને નવા પ્રમુખ બનાવાયા છે. અહેવાલો પ્રમાણે ગાંગૂલીને બેઠકમાં આઈપીએલ ચેરમેનપદની ઑફર કરવામાં આવી હતી પરંતુ ગાંગૂલીનું કહેવું હતું કે બોર્ડપ્રમુખપદેથી હટ્યા બાદ તેઓ કોઈ પેટા સમિતિના પ્રમુખ બનવા માંગતા નહોતા.