વિમેન્સ આઇપીએલ માટે ટીમ ખરીદવાના બીસીસીઆઇએ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું

નવીદિલ્હી,

આઈપીએલની તર્જ પર જ મહિલાઓ માટે ટી-૨૦ લીગનું આયોજન કરાવવાની જાહેરાત થોડા સમય પહેલાં જ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત બોર્ડ દ્વારા એક પગલું આગળ વધતાં મહિલા આઈપીએલ માટે ટીમનો માલિકી હક્ક પ્રાપ્ત કરવા માટેના ટેન્ડર જાહેર કર્યા છે. હરાજીના માધ્યમથી જ મહિલા આઈપીએલની ટીમોને વેચવામાં આવશે. ભારતમાં કોઈ પણ બિઝનેસ ગ્રુપ ઈચ્છે તો મહિલા આઈપીએલની ટીમ પોતાના નામે કરવા માટે ૨૧ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે.

મહિલા આઈપીએલની ટીમ હાંસલ કરવાની ઈચ્છા રાખનારી હાલની ફ્રેન્ચાઈઝી અથવા અન્ય બિઝનેસ ગ્રુપે પાંચ લાખ રૂપિયાની રકમ બીસીસીઆઈ પાસે જમા કરાવવાની રહેશે. આ રકમ પરત કરવામાં આવશે નહીં.

બીસીસીઆઈ દ્વારા જણાવાયું છે કે, ટેન્ડરની પ્રક્રિયાનો હિસ્સો બનવા માટે માત્ર પાંચ લાખ રૂપિયા જમા કરાવવા જ પૂરતા નથી. જો દસ્તાવેજોની તપાસ દરમિયાન બીસીસીઆઈને લાગે કે તે પૂર્ણ નથી તો બોર્ડ એ વ્યક્તિ અથવા બિઝનેસ ગ્રુપને ઑક્શનની પ્રક્રિયામાંથી બહાર કરી શકે છે.

વિમેન્સ આઈપીએલની પહેલી સીઝનની શરૂઆત માર્ચ મહિનામાં થશે. બીસીસીઆઈએ પહેલાંથી જ આ માટે વિન્ડો સેટ કરી લેવામાં આવી છે. માર્ચના અંતમાં પુરુષ આઈપીએલની શરૂઆત થશે.

ફેબ્રુઆરીમાં વિમેન્સ વર્લ્ડકપ રમાવાનો છે. એવું જાણવા મળી રહ્યું છે કે પુરુષ આઈપીએલ પહેલાં જ મહિલા આઈપીએલની પહેલી સીઝન રમાડી દેવાની બીસીસીઆઈની યોજના છે. આ સીઝનમાં કુલ કેટલી મેચ રમાશે તેને લઈને બીસીસીઆઈએ સ્થિતિ સ્પષ્ટ કરી નથી.