અબ્દુલ્લા આઝમ સામેના કેસને યુપી બહાર ટ્રાન્સફર કરવાની તેમની માંગને સુપ્રીમે ફગાવી

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ સામેના કેસને ઉત્તર પ્રદેશ (યુપી) બહાર ટ્રાન્સફર કરવાની તેમની માંગને ફગાવી દીધી હતી.તમને જણાવી દઈએ કે આ અરજીમાં આઝમ ખાને કહ્યું હતું કે તેમને યુપીમાં ન્યાય નહીં મળે.

આઝમ ખાનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે દખલ કરવાનું કોઈ કારણ નથી. આવી સ્થિતિમાં તમે હાઈકોર્ટમાં જઈ શકો છો. આ સાથે કોર્ટે તેમની અરજી પર વહેલી તકે સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે બંનેએ યુપી હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે.

આઝમ ખાનની કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઉ, નફરતભર્યા ભાષણ આપવાના આરોપમાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની સુનાવણી મંગળવારે કોર્ટમાં થઈ હતી. તે કેસના સાક્ષી ઈન્સ્પેક્ટર અનુરાગ ચૌધરીએ તેમનું નિવેદન નોંધ્યું હતું. તેમની જુબાની પૂરી થયા બાદ હવે આ કેસની આગામી સુનાવણી ૦૫ જાન્યુઆરીએ થશે. આ મામલામાં આરોપ છે કે તેમણે બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો અને અધિકારીઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગેની જાણ ફૈઝલખાન લાલાએ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.