શહેરા તાલુકાની 16 પ્રા.શાળાઓમાં આર.ઓ.મશીન અન્ય કંપનીના ફીટ કરતા બિલ અટકાવાયુ

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં 15માં નાણાંપંચ દ્વારા 10 ટકા ગ્રાન્ટમાંથી પ્રા.શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ માટે મંજુર કર્યા છે. જેમાં શહેરા તાલુકાની વિવિધ પ્રા.શાળાઓમાં નાયબ ડીડીઓ તથા ટેકનીકલ કર્મચારી સાથે રાખીને ફીટ કરેલા આર.ઓ.પ્લાન્ટની ચકાસણી કરી છે. શાળાઓમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.1.25 લાખના આર.ઓ.પ્લાન્ટ ફીટ કર્યા બાદ બિલ મંજુર કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે આવ્યા હતા. બિલ મંજુર કરતા પહેલી ટીમ દ્વારા શાળાઓમાં ચકાસણી કરતા સ્વચ્છ પાણી આપતા મશીનમા પણ ભ્રષ્ટાચાર દેખવા મળ્યો હતો. ઉમરપુર, પસનાલ, ધરોલા, નવાગામ, બોડીદ્રાખુર્દ, ડોલનના મુવાડા, જા.બા.ના મુવાડા, ધારાપુર, ખટકપુર, છોગાળા, મોર, સગરાડા, નાંદરવા, ધાંધલપુર, સદનપુર તથા ગાંગડીયા પ્રા.શાળાઓમાં ફીટ કરેલા આર.ઓ.પ્લાન્ટની તપાસ ટેકનીકલ કર્મચારી સાથે ના.ડી.ડી.ઓ.એ કરી હતી. તપાસ કરતા જિલ્લા પંચાયતમાં આવેલા બિલમાં આર.ઓ.પ્લાન્ટ મશીન ઓરીક્ષ એકવા કંપનીના સ્થાને ઈન્ફી કંટ્રોલના આર.ઓ.મશીન ફીટ કરેલા મળી આવ્યા હતા. તેમજ જી.ઈ.એમ.સ્પેસીફિકેશનમાં જણાવ્યા મુજબના સ્પેસીફિકેશની વિસંગતતા જણાઈ આવી હતી. આર.ઓ.મશીનના બિલનુ પેમેન્ટ રોકીને આગળની કાર્યવાહી કરવા શહેરા ટી.ડી.ઓ.ને નોટિસ ફટકારી છે. કોન્ટ્રાકટર દ્વારા બિલમાં સારી કંપનીના આર.ઓ.મશીન બતાવીને ચાલુ ફીટ કર્યા હતા.