- અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે.
સુરત,
સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિક્સવાની જાહેરાત થતાની સાથે જૈન ધર્મમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમેતશિખર તીર્થ સ્થાન સમાન છે. દેશભરમાં જૈનો આક્રોશ વ્યક્ત કરીને રસ્તા પર ઉતરી રહ્યાં છે. ત્યારે સુરતમાં ૩ કિલોમીટર લાંબી વિશાળ રેલી કાઢવામાં આવી છે. મહારેલીમાં જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળોને તીર્થ સ્થાન તરીકે જાહેર કરે.
સકલ જૈન સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં ભવ્ય મૌન રેલી નીકળી છે. આ મહારેલી લગભગ ૩ કિલોમીટર લાંબી હતી, જેમાં મોટી સંખ્યામા જૈનો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. સરગમ શોપિંગ સેન્ટરથી મૌન મહારેલી શરૂ કરવામાં આવી હતી, જે સુરત કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં સમગ્ર જૈન સમાજના ચાર ફરકા શ્ર્વેતાંબર, દિંગંબર, તેરાપંથ અને સ્થાનકવાસીના અંદાજે ૧૫,૦૦૦ થી પણ વધારે લોકો આ મહારેલીમા જોડાયા હતાં આ સાથે સમાજના સંતો, મહામુનીઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો અને લોકો આ મૌન રેલીમાં જોડાયા હતાં
દરમિયાન પાલીતાણામં શેત્રુંજય પર્વત પર તોડફોડ કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. આ માટે પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનશે તેવો નિર્ણય લેવાયો છે. જેમાં ૧ પીએસઆઇ, ૨ એએસઆઇ,૩ હેડ કોન્સ્ટેબલ અને ૧૨ કોન્સ્ટેબલ ફરજ પર રહેશે. હાલ જૂની બંધ પડેલી પોલીસ ચોકી કાર્યરત કરાશે. તો સાથે જ પર્વત ઉપર પણ ચોકી બનાવવા પોલીસની વિચારણા ચાલી રહી છે. પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. પર્વત પર ટ્રાફિક નિયમન માટે ૫ ટ્રાફિક પોલીસ, ૫ મહિલા હોમગાર્ડસ તૈનાત રહેશે. તો ૮ ટીઆરબીના જવાનો તહેનાત રહેશે. સ્પેશિયલ ટીમ ડીવાયએસપી કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમ કરશે.
જૈન સમાજની માંગ છે કે પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને દૂર કરવામાં આવે. જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે. પર્વતની તળેટીમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે. શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુક્સાનને રોકવા ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની પણ માંગ કરાઈ છે.