મુંબઇ,
વિરાટ કોહલી માટે વર્ષ ૨૦૨૨ ઉતાર-ચડાવવાળું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી તેનું પ્રદર્શન પહેલાંની જેમ જબરદસ્ત નજરે પડ્યું નથી. વર્ષ ૨૦૨૨માં તેણે ટી ૨૦ ઇન્ટરનેશનલમાં પોતાની પહેલી સદી લગાવી હતી, તો વન-ડે ક્રિકેટમાં ૩ વર્ષ બાદ સદી લગાવી હતી, પરંતુ તેનું ટેસ્ટ ફોર્મ અત્યારે પણ સતત નિરાશાજનક નજરે પડી રહ્યું છે. આ સંદર્ભમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી રહેલા કુમાર સંગાકારનું માનવું છે કે, વિરાટ કોહલીનો વર્કલોડ મેનેજ કરીને શાનદાર ફોર્મ જોવા મળી શકે છે.
આજથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની ટી ૨૦ સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વન-ડે સીરિઝમાં તે રમતો નજરે પડશે. શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અને તેના વર્કલોડ મેનેજમેન્ટને લઇને એક સ્પોર્ટ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, મને લાગે છે કે તે વાસ્તવમાં વિરાટ કોહલી સાથે એક વાતચીત કરીને અને તેને પૂછવાનો સવાલ છે કે તે પોતાના કાર્યભાર (વર્કલોડ) અને પોતાનું સમયનું સંચાલન કઇ રીતે કરે છે.
જેથી દરેક વખતે જ્યારે તે ભારત માટે રમે તો તે ફ્રેસ રહે, તે ખુશ રહે, તે રનો માટે ભૂખ્યો રહે અને તે ટીમને મેચ જીતાડવા માટે જવા તૈયાર રહે. તમે તેને દરેક સમયે ક્રિકેટ રમતા નહીં જોઇ શકો અને તેની પાસે એવા જ પ્રદર્શનની આશા નહીં કરી શકો. વિરાટ કોહલી જેટલું ક્રિકેટ કોઇ રમતું નથી. કુમાર સંગાકારાએ ટી ૨૦ વર્લ્ડ કપમાં તેની શાનદાર રમત પાછળનું રહસ્ય બતાવતા કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે સતત ક્રિકેટ થવાના કારણે તેનો આનંદ લેવાનું બંધ કરી દો છો.
તેમણે આગળ કહ્યું કે, એટલે તમને એક લાંબા બ્રેકની જરૂરિયાત હોય છે. તમારે ફ્રેસ હોવા અને પરત આવતા અને પ્રદર્શન કરતા જુઓ છો. ટી ૨૦ વર્લ્ડ કપમાં તેની બેટિંગ અભૂતપૂર્વ હતી, ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ એ મેચમાં તેનું પ્રદર્શન લાજવાબ હતું. કુમાર સંગાકારાએ સંજુ સેમસને કયા નંબર પર બેટિંગ કરવી જોઇએ તેને લઇને પણ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ટી ૨૦ ક્રિકેટમાં સંજુ સેમસનની આદર્શ પોઝિશન નંબર-૪ પર છે. તે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ ની કેપ્ટન્સી કરતા નંબર ૩-૪ પર જ રમતો નજરે પડે છે, પરંતુ ભારતીય ટીમમાં તેના બેટિંગ ઓર્ડરમાં સતત બદલાવ થતો રહે છે.