ભાજપ કોઇની ટિકિટ કાપે તો પણ વિવાદ થતો નથી. આપણી કોંગ્રેસમાં કંઇ વધ્યું જ નથી. : કોંગ્રેસના ધારાસભ્ય

કાંકરેજ,

૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઇ હતી. ૧૫૬ સીટ જીતીને ભાજપે ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડ બ્રેક જીતની તમામ જગ્યાએ ચર્ચા થઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ કરેલા માઇક્રોમેનેજમેન્ટ અને ભાજપના કાર્યકરો અને નેતાઓએ કરેલી મહેનતથી ભાજપની આટલી ભવ્ય જીત થઇ તેવું જાણકારો માને છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને માંડ ૧૭ બેઠક મળી છે. કોંગ્રેસના મોટો-મોટા ચેહરાઓને હાર મળી.

હાર બાદ કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કર્યું અને હવે આ હારની હારમાળને કેવી રીતે રોકવી તેના પર કામ શરૂ કર્યું. આ દરમિયાન કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કાંકરેજના ચાંગા ગામે ૠણ સ્વિકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત હતા ત્યારે આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આશ્ર્ચર્યજનક નિવેદન આપ્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ભાજપના વખાણ કરતા નજરે પડ્યા.

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાંકરેજના ચાંગા ગામે ૠણ સ્વીકાર કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વખાણ કરતા અનેક તર્કવિતર્ક પણ શરૂ થઇ ગયા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ સ્ટ્રેટેજીથી આખી સરકાર બદલી નાંખે તો પણ કોઇ બોલતું નથી, ભાજપ કોઇની ટિકિટ કાપે તો પણ વિવાદ થતો નથી. આપણી કોંગ્રેસમાં કંઇ વધ્યું જ નથી.

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં મને ૧.૨ લાખ મત મળ્યા છે, આ મતમાંથી ૫ વર્ષ લોહી પીવાના માત્ર ૨ હજાર મત મળ્યા છે. તેમણે ઉમેર્યું કે, ૨ હજાર મત માટે ટિકિટ, કોન્ટ્રાક્ટ, રૂપિયા, ગાડી અને એ કે ત્યાં હાજર થવું પડે છે. તેમણે કહ્યું કે, ૧ લાખ મતવાળા કંઇ બોલતા જ નથી. ગેનીબેને આડક્તરી રીતે તો કોંગ્રેસના નેતાઓને સાચુ કહી દીધુ છે. ભાજપે પોતાની કેડરબેઝ છાપને યથાવત રાખી છે. અને તેના પ્રતાપે જ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ પોતાની સમસ્યાઓ દૂર ન કરી અને તેનું પરિણામ ચૂંટણીમાં જોઇ લીધુ.