તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ટપુડા બાદ હવે સિરિયલના ડિરેક્ટરે જ સિરિયલનો સાથ છોડી દીધો

મુંબઈ,

ટીવી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ૧૪-૧૪ વર્ષથી ચાહકોનાં દિલમાં રાજ કરે છે. આ ૧૪ વર્ષના સમયગાળામાં ઘણા સેલેબ્સે શો છોડ્યો છે. હવે આ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડાએ આ શો છોડી દીધો છે.માલવ રાજડા ૨૦૦૮થી આ સિરિયલ સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી ડિરેક્ટર્સની ટીમમાં સામેલ છે. માલવ રાજડાએ આમ અચાનક શો છોડી દેતાં ચાહકોને પણ નવાઈ લાગી છે. સૂત્રોના મતે, માલવ રાજડાએ ૧૫ ડિસેમ્બરના રોજ છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. માલવ રાજડાને સેટ પર ફેરવેલ આપવામાં આવી નહોતી.

સૂત્રોના મતે, ટીવી વર્લ્ડમાં એવી ચર્ચા હતી કે માલવ રાજડા તથા પ્રોડક્શન હાઉસ નીલા ટેલીફિલ્મ્સ વચ્ચે કોઈ મુદ્દે અણબનાવ હતો અને આ જ કારણે માલવે શો છોડી દીધો. આ અંગે જ્યારે વેબ પોર્ટલ હિન્દુસ્તાન ટાઇમ્સે સવાલ કર્યો તો માલવ રાજડાએ કહ્યું હતું કે જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ ડિફરન્સ હોવા સામાન્ય વાત છે, પરંતુ આ શોને સારો બનાવવા માટે છે. પ્રોડક્શન હાઉસ સાથે કોઈ જાતનો અણબનાવ થયો નથી. શો તથા અસિતભાઈ (શોના પ્રોડ્યુસર)નો આભારી છું.

શો છોડવા અંગે માલવ રાજડાએ કહ્યું હતું કે ૧૪ વર્ષ સુધી શોમાં કામ કર્યા બાદ તેમને લાગ્યું તેઓ એક કમ્ફર્ટ ઝોનમાં છે. ક્રિએટિવલી ગ્રો થવા માટે તમારે આગળ વધવાની જરૂર છે અને પડકારોની વચ્ચે કામ કરવું પડે. આ જ કારણે તેમણે આ શો છોડી દીધો છે. ૧૪ વર્ષની જર્ની અંગે માલવ રાજડાએ કહ્યું હતું કે આ ૧૪ વર્ષ તેમના જીવનના સૌથી સુંદર વર્ષો રહ્યાં. આ શોએ માત્ર ફૅમ, પૈસા જ નથી આપ્યા, પરંતુ લાઇફ પાર્ટનર પ્રિયા પણ આપી છે.

પ્રિયા આહુજા આ શોમાં રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળતી હતી. માલવ તથા પ્રિયા બંને આ શોના સેટ પર મળ્યાં હતાં. પ્રિયાએ ૨૦૦૮થી ૨૦૧૦ સુધી સિરિયલ ’તારક મહેતા..’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે શો છોડી દીધો હતો. પ્રિયાએ ૨૦૧૧માં સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં બે વર્ષ બાદ એટલે કે ૨૦૧૩માં ફરી એકવાર પ્રિયા શોમાં જોડાઈ હતી. જોકે ૨૦૧૯માં પ્રિયાએ ’તારક મહેતા..’ શો છોડી દીધો હતો. તેણે મેટરનિટી લીવ લીધી હતી. તેણે ૨૦૧૯માં દીકરા અરદાસને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના થોડા મહિનાઓ બાદ એટલે કે ૨૦૨૦માં પ્રિયા આહુજા સિરિયલમાં જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રિયા આ શોમાં જોવા મળતી નથી. તેણે પણ આ શો છોડી દીધો છે.

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજા લોકપ્રિય થઈ હતી. તેણે આ જ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧માં પ્રિયા-માલવના લગ્નને ૧૦ વર્ષ થતાં બંનેએ બીજીવાર લગ્ન કર્યાં હતાં.માલવ રાજડાના પિતા સુરેશ રાજડા પણ ડિરેક્ટર છે. તેમણે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી છે. માલવની પત્ની પ્રિયાની વાત કરીએ તો તેણે દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યું છે. પ્રિયા આહુજા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તેણે ટીવી શોમાં કામ કર્યું છે. પ્રિયા આહુજા સો.મીડિયામાં પોતાની બિકીની ને બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર ટ્રોલ થાય છે.

શૈલેષ લોઢા તથા રાજ અનડકટ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ ૨૦૧૮માં કાડયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.