
નવીદિલ્હી,
રાજધાની દિલ્હીના કંઝાવલા રોડ અકસ્માતમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે અકસ્માત સમયે પીડિતા સાથે સ્કૂટી પર અન્ય એક છોકરી પણ હતી. પીડિત યુવતીનો જ્યારે અકસ્માત થયો ત્યારે તે યુવતી પાછળ બેઠી હતી. પીડિત યુવતીના મોત પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…

દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જ્યારે પોલીસ મૃતક પીડિત યુવતીનો રુટ ટ્રેસ કરી હતી ત્યારે તેમને ખબર પડી કે પીડિતા સાથે સ્કૂટી પર અન્ય એક યુવતી પણ હતી. હવે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં બંને યુવતીઓ ફંક્શનમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ રાતે ૧.૪૫ વાગે એક હોટલથી નવા વર્ષની પાર્ટી કરીને નીકળતી જોવા મળી રહી છે. પીડિત અંજલી પિંક ટીશર્ટમાં જોવા મળી રહી છે જ્યારે તેની મિત્ર નિધિ રેડ ટીશર્ટમાં જોવા મળી રહી છે. સ્કૂટી નીધિ ચલાવી રહી છે જ્યારે અંજલિ પાછળ બેઠી છે. ત્યારબાદ ત્યાંથી નિધિ સ્કૂટી ચલાવીને જાય છે પરંતુ થોડીવારમાં અંજલી કહે છે કે સ્કૂટી એ ચલાવશે અને ત્યારબાદ અંજલિ સ્કૂટી ચલાવે છે અને નિધિ પાછળ બેસી જાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ અકસ્માત દરમિયાન બીજી યુવતીને થોડી ઈજા થઈ હતી અને તે ઘટનાસ્થળેથી પોતાના ઘરે ચાલી ગઈ પરંતુ અંજલીનો પગ ગાડીના એક્સેલમાં ફસાઈ ગયો અને ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલિને ઢસડતા રહ્યા.
દિલ્હી પોલીસે અકસ્માત સમયે સ્કૂટી પર બેઠેલી અન્ય યુવતીને શોધી કાઢી છે. હવે પોલીસ યુવતીનું નિવેદન પણ નોંધશે અને તે સમયે શું થયું તે જાણવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે, નવા વર્ષ નિમિત્તે રાજધાની દિલ્હીમાં એક હદયસ્પર્શી ઘટના બની, જ્યારે સ્કૂટી પર સવાર એક છોકરીને આરોપીઓ કારથી લગભગ ૧૩ કિલોમીટર સુધી ઢસડી ગયા હતા, ત્યારબાદ યુવતીનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ કરી રહી છે.