ભાજપના યજ્ઞેશ દવે સહિતના નેતાઓની મનની મનમાં રહી ગઈ

  • શક્તિપીઠ બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં રાજકારણ જોવા મળ્યું, વાત પીએમઓ સુધી પહોંચી.

અમદાવાદ,

ગુજરાતના રાજકારણમાં ચર્ચા જાગી છે કે એવું તો શું થયું કે ૪ મહિનામાં જ ભાજપના નેતાઓને બહારનો દરવાજો દેખાડી દેવાયો. અંબાજી અને સોમનાથ દેવસ્થાન પછી આર્થિક સ્તરે સૌથી સદ્ધર ગણાતા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ચાર મહિના પૂર્વે ભાજપના ૧૧ જેટલા પદાધિકારીઓ, આગેવાનોની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ હતી. જેમાંથી બળવંતસિંહ રાજપૂત અને સુખાજી ઠાકોરે ઇલેક્શન પહેલાં આ ટ્રસ્ટમાંથી રાજીનામા ધરી દીધા હતા. જેઓ હાલમાં ધારાસભ્ય છે. ચૂંટણી પહેલાં જ આ ૨ નેતાઓએ ટ્રસ્ટી પદેથી રાજીનામા આપી દીધા હતા.

બાકીના ૯ માં પૂર્વ સાંસદ જયશ્રીબહેન પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેનો સમાવેશ થતો હતો. હજી તો આ ટ્રસ્ટીઓએ કારભાર સંભાળ્યો જ નહોતો ત્યાં ગત સપ્તાહે અચાનક તમામનાં રાજીનામાં લઈ લેવાયા છે. ત્યારે ભાજપમાં અંદરખાને ઊહાપોહ થયો છે. એવું કહેવાય છે કે આ ૧૦ નામોમાં પ્રથમ દિવસે જ એક રાજીનામું આવી ગયું હતું. છેક પીએમઓ સુધી આ મામલો પહોંચ્યો હતો. જેમાં ઉચ્ચકક્ષાએથી દબાણ હોવાથી આ મામલે કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી.

કહેવાય છે કે પીએમઓના ધ્યાને કેટલીક ગંભીર બાબતો આવતા આ પવિત્ર દેવસ્થાનમાંથી સૌનાં રાજીનામાં લખાવી લેવાયાં છે. બહુચરાજી બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક છે. અહીં આવેલું શ્રી બહુચરાજી માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. અંબાજી બાદ ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું મોટુ દેવસ્થાન છે. આ મંદિરનો વહીવટ એ સરકાર હસ્તક હોવાથી કલેક્ટરની અહીં સીધી નજર હોય છે.

ઉલ્લેખનીય છે કે, બહુચર માતાજીના મંદિરના વહીવટ અને સંચાલન માટે ત્રણ વર્ષ બાદ બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિની નિમણૂંક કરાઇ હતી. મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી ૧૧ સભ્યોની કમિટીમાં ૬ સરકારી અને ૧૧ બિનસરકારી સભ્યોનો સમાવેશ કરાયો હતો. જેમની મુદત ૪ વર્ષ રખાઈ હતી. નવા ટ્રસ્ટીમંડળમાં પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, બહુચરાજીના કિરીટ દેવગઢ, રાકેશ સોની અને સુખાજી ઠાકોરનો સમાવેશ કરાયો હતો. જૂના ટ્રસ્ટી મંડળમાંથી માત્ર સંદીપ શેઠ રિપીટ થયા હતા. ત્યારે ચાર મહિનામાં એવી તો શુ ખીચડી રંધાઈ કે, ટ્રસ્ટમાંથી કેટલાક નેતાઓના રાજીનામા લેવાયા.