
જોધપુર,
મહારાષ્ટ્રના બાંદ્રાથી રાજસ્થાનના જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના એન્જિન સહીતના આઠ ડબ્બા રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ફડી પડ્યા હતા. આ અકસ્માત સમયે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક જોરદાર અવાજ આવ્યો અને બધા જાગી જવાની સાથે નાસભાગ મચી ગઈ. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. નોર્થ વેસ્ટર્ન રેલવેના જણાવ્યાનુસાર,અકસ્માતની માહિતી મળતા જ જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જો કે આ અકસ્માતમાં ૧૦ મુસાફરોને નાની મોટી ઈજા પહોચી છે.
પાટા પરથી ડબ્બા ખડી પડવાની ઘટના મધ્યરાત્રીના સાડા ત્રણ વાગ્યે થઈ હતી. બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ તેના સમય પર દોડી રહી હતી. પાલી જિલ્લાના રાજકીવાસ બોમાદ્રા સેક્શનમાં આવીને અચાનક જ ટ્રેનના એન્જિન સહિત આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત બાદ ટ્રેનમાં જોરદાર આચંકો આવ્યો હતો. ઉપરની બર્થ પર સૂતેલા ઘણા મુસાફરો નીચે ગબડી પડ્યા હતા. આ અવાજ અને ટ્રેનની બોગીઓ ઉછળવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા. અને ચીસાચીસ સાથે નાસભાગ મચી ગઈ હતી.
ઉત્તર પશ્ર્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેંણે કહ્યું કે કેટલાક મુસાફરોને ઈજા થઈ છે. હાલ જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આ ટ્રેન આવ્યા બાદ વાસ્તવિક સ્થિતિ સામે આવશે. ટ્રેનના એક મુસાફરે જણાવ્યું હતુ કે, મારવાડ જંક્શનથી રવાના થયાની ૫ મિનિટની અંદર જ ટ્રેનની અંદર વાઇબ્રેશન અનુભવાઈ હતી અને ૨-૩ મિનિટ પછી ટ્રેન એકાએક ઉભી રહી ગઈ. અમે નીચે ઉતરીને જોયું તો ઓછામાં ઓછા ૮ સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. જો કે ઘટના સ્થળે ૧૫-૨૦ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી હતી અને રાહત કામ શરૂ કરાયું હતું.
મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે, સૂર્યનગરી એક્સપ્રેસના તમામ મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. તીવ્ર આંચકા અને જોરદાર અવાજ સાથે જ બધા મુસાફરોજાગી ગયા હતા. પહેલા તો મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા. થોડીવાર બાદ અકસ્માતની જાણ લોકોને થઈ હતી. જેના પગલે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો.