- એલજી મનોજ સિન્હાએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત.
શ્રીનગર,
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ડાંગરી ગામમાં આજે ફરીથી વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક બાળકનુ મોત થયુ છે જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ આ વિસ્ફોટ આઈઈડીથી કરવામાં આવ્યો હતો. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે અહીં રવિવારે આતંકવાદીઓએ ચાર સામાન્ય લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ અહીં ફરીથી વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે. રાજૌરીમાં થયેલા આતંકી હુમલા બાદ બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.
એલજી મનોજ સિન્હાએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની અને ઘાયલોને ૧ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય નાગરિકો પર થયેલા હુમલાની નિંદા કરતા એલજી મનોજ સિન્હાએ કહ્યુ કે હું આ હુમલાની સખત નિંદા કરુ છુ, હું ખાતરી આપવા માંગુ છુ કે આ હુમલા પાછળ જે લોકો છે તેમને ચોક્કસપણે સજા કરવામાં આવશે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ, મારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.
નોંધનીય છે કે આતંકવાદીઓએ રવિવારે રાજૌરીના ૩ ઘરોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૪ હિંદુઓએ જીવ ગુમાવ્યો હતો. લોકો જ્યારે આજે આ હુમલાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ફરીથી અહીં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ ઘરની બહાર થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે રવિવારે સાંજે આતંકવાદીઓએ લોકોને ઘરની બહાર બોલાવ્યા અને તેમના આધાર કાર્ડ જોઈને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. એડીજીપી મુકેશ સિંહે કહ્યુ કે અમે સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છીએ અને વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ રવિવારે સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ડાંગરીમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ૩ ગ્રામીણો માર્યા ગયા હતા, જ્યારે ૭ લોકો ઘાયલ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. રવિવારે સાંજે સીઆરપીએફની ૨૮મી બટાલિયનના બંકર પર ગ્રેનેડ હુમલો થયો હતો. પુલવામામાં જવાનની એકે ૪૭ છીનવી લેવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. રાઈફલ છીનવનાર વ્યક્તિના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રાઈફલ પરત કરી દીધી. રાઈફલ છીનવનાર વ્યક્તિની ઓળખ ઈરફાન બશીર ગની તરીકે થઈ છે.