રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે સીબીઆઇએ નોંધી ફરિયાદ,બીઓબી સાથે ૭૬ કરોડ રુપિયાની લોનના પૈસાની ઉચાપત કરતા કાર્યવાહી

સુરત,

સુરત શહેરના જાણીતા બિલ્ડર સંજય મોવલિયા સામે કરોડો રુપિયાની ઉચાપત કરવા મામલે સીબીઆઇને ફરિયાદ મળી છે. સંજય મોવલિયા સહિત ૩ વ્યક્તિ સામે બેંક સાથે ૭૬.૦૩ કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવાની ફરીયાદ દાખલ થઇ છે. સીબીઆઈ દ્વારા ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુંસાર ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદી દ્વારા સીબીઆઈને આ ફરિયાદ કરવામાં આવી હતી.

રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે દિલ્લી સીબીઆઇએ ફરિયાદ નોંધી છે. બેંક ઓફ બરોડા સાથે રૂપિયા ૭૬ કરોડની ઠગાઈ કરતા CBI એ કાર્યવાહી કરી છે. સંજય મોવલિયા અને અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. લોનના પૈસાની ઉચાપત કરાતા સંજય મોવલિયા, મનોજ, મિતેશ, સોહિલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો. રાજહંસ બિઝનેસ માટે સંજય મોવલિયાએ બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી. આ લોનના પૈસાની ઉચાપત કરતા સીબીઆઇ હવે સરફેસી એક્ટ હેઠળ રાજહંસ ગ્રુપના માલિક સામે કાર્યવાહી કરશે. લોન ખાતું ૧૧ જાન્યુઆરી ૨૦૨૦માં એનપીએ જાહેર કર્યું હતું.

બેંક ઓફ બરોડા દ્વારા ૭૬ કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપતના મામલાની જાણ થતા જ ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ ફર્મના ભાગીદારોએ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટા બતાવ્યા હતા અને ચોપડામાં પણ કેટલાક સુધારા કર્યા હતા. આ ઉપરાંત એકાઉન્ટીંગ પ્રોસેસને પણ સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી ન હતી.