અમેરિકામાં વસતા ભારતીયોમાંથી ૬.૫ લાખ લોકો ગરીબી રેખાની નીચે

  • એક સર્વે મુજબ ૨૦ ટકા ભારતીયો પાસે અમેરિકાની નાગરિકતા પણ નથી

વોશિંગટન,
અમેરિકા જવું દરેક વ્યક્તિનું સપનું હોય છે અને ભારતમાંથી મોટાપાયે લોકો દર વર્ષે અમેરિકામાં પોતાનું સપનું સાકાર કરવા માટે પહોંચતા હોય છે. અમેરિકાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અમેરિકમાં વસવાટ કરી રહેલા ૪૨ લાખ ભારતીય-અમેરિકનોમાં લગભગ ૬.૫ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહૃાા છે. કોરોના મહામારીને પગલે ભારતીય સમુદાયના આ લોકોમાં ગરીબીનું પ્રમાણ વધવાની આશંકા રહેલી છે.

આ ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં થયેલા એક સર્વેમાં સામે આવ્યો છે. જોન હોપ્કિન્સ સ્થિત પોલ નીત્ઝ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના દેવેશ કપૂર અને જશ્ર્ન બાજવાતે ‘ભારતીય-અમેરિકન વસ્તીમાં ગરીબી વિષય પર એક રિસર્ચ કર્યું હતું જેના પરિણામ હાલમાં યોજાયેલા ઈન્ડિયાસ્પોરા પરોપકાર સમ્મેલન-૨૦૨૦માં જાહેર થયા હતા. કપૂરે જણાવ્યું કે બંગાળી અને પંજાબી ભારતીય અમેરિકનોમાં સૌથી વધુ ગરીબ છે.
કપૂરે જણાવ્યું કે આ પૈકી ૩૩ ટકા લોકો વર્ક ફોર્સનો હિસ્સો નથી જ્યારે ૨૦ ટકા લોકો પાસે અમેરિકાની નાગરિકતા પણ નથી. ઈન્ડિયાસ્પોરાના સંસ્થાપક એમઆર રંગાસ્વામીએ જણાવ્યું કે, આ રિપોર્ટથી અમે સૌથી વધુ વંચિત ભારતીય અમેરિકનોની સ્થિતિ તરફ ધ્યાન ખેંચવા ઈચ્છીએ છે. કોરોનાથી સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા પર પડનાર પ્રતિકૂળ અસરને જોતા પ્રવર્તમાન સમયમાં સંપન્ન મનાતા આપણા સમુદાયમાં વર્તમાન ગરીબો પ્રત્યે જગરુકતા ઉભી કરી શકાય અને આ મુદ્દાને ઉઠાવી શકાય તેમ રંગાસ્વામીએ જણાવ્યું હતું.

આ રિપોર્ટ પર ધ્યાન આપીને સકારાત્મક બદલાવ લાવવા માટે પગલા લેવાશે. આ સર્વે થકી ભારતીય અમેરિકી સમાજમાં દૃરિદ્રતાની વ્યાપક સ્થિતિ અંગેનો ખ્યાલ આવ્યો છે. જો કે શ્ર્વેત, અશ્ર્વેત અને હિસ્પેનિક અમેરિકન સમાજની તુલનાએ ભારતીય અમેરિકનોમાં ગરીબીનું સ્તર વધવાની સંભાવના ઓછી છે.