
નવીદિલ્હી,
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાનની ટિપ્પણી બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનને હોસ્ટ કરી રહ્યો હતો, જેણે તેના પડોશીની સંસદ પર હુમલો કર્યો હતો… તે યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ પર પ્રવચન આપવા માટે કાબેલ નથી જયશંકર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા, જ્યાં સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં કાઉન્ટર ટેરરિઝમ અને રિફોર્મ્ડ મલ્ટિલેટરલિઝમ (બહુપક્ષીયવાદ) પર બે મહત્વપૂર્ણ ઈવેન્ટ થઈ રહી છે. યુએનમાં ભારતના સ્થાયી સભ્ય રુચિરા કંબોજની અધ્યક્ષતામાં મલ્ટિલેટરલિઝમ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જયશંકરે ચીન અને પાકિસ્તાન બંને પર નિશાન સાધ્યું હતું. કહ્યું, સ્વાભાવિક રીતે આજે આપણે મલ્ટિલેટરલિઝમમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આપણા પોતાના મંતવ્યો હોઈ શકે છે, પરંતુ સર્વસંમતિ ઉભરી રહી છે, ઓછામાં ઓછું આપણે આમાં વિલંબ ન કરવો જોઈએ. વિશ્વ આતંકવાદ સામે લડી રહ્યું છે અને આવા સમયે કેટલાક લોકો આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય ઠેરવી રહ્યા છે. તેમને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરી રહ્યા છે.
વિશ્વ કટોકટી, યુદ્ધો અને હિંસાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, તે સંઘર્ષ કરી રહ્યું છે. શાંતિ લાવવા અને રસ્તો બતાવવા માટે મહાત્મા ગાંધીના આદર્શોની હજુ પણ જરૂર છે.
ભારતે આ વર્ષના ડિસેમ્બરના અંતમાં ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (SRSP) ના ચૂંટાયેલા સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે બે આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરવા સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા હતા.
ભારતે ૧ ડિસેમ્બરના રોજ સુરક્ષા પરિષદનું એક બાદ એક ફરતી માસિક અધ્યક્ષતા સંભાળી હતી. ઓગસ્ટ ૨૦૨૧ પછી આ બીજી વખત છે, જ્યારે ભારત સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળ દરમિયાન કાઉન્સિલની અધ્યક્ષતા કરી રહ્યું છે.
જયશંકરે કહ્યું કે સુધારા એ સમયની જરૂરિયાત છે. મને વિશ્વાસ છે કે ગ્લોબલ સાઉથ ખાસ કરીને ભારતના દ્રઢ નિષ્ચય ને શેર કરે છે. આપણે બધા જાણીએ છીએ કે સમાન પ્રતિનિધિત્વ અને સુરક્ષા પરિષદની સદસ્યતા વધારવાનો પ્રશ્ર્ન છેલ્લા ત્રણ દાયકાથી યુએનજીએના એજન્ડામાં છે. જ્યાં સુધારા પરની ચર્ચા બેકાર બની ગઈ છે, જ્યારે વાસ્તવિક દુનિયા આ બધાની વચ્ચે તમાસો બની રહી છે.
તેમણે કહ્યું કે અમે ૭૫ વર્ષ કરતાં પણ વધુ વર્ષો પહેલા રચાયેલી બહુપક્ષીય સંસ્થાઓની અસરકારક્તા પર ચર્ચા કરવા માટે અહીં એક બેઠક બોલાવી છે. અમારી સામે પ્રશ્ર્ન એ છે કે તેમને કેવી રીતે સુધારી શકાય. તાજેતરના વર્ષોમાં વિશ્વ એ જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અનુભવી છે. તેના પર વધતા તણાવને કારણે પરિવર્તનની માંગ ઝડપથી વધી છે. તેમણે કહ્યું કે આ બધાનો સામનો કરવા માટે સહકારની જરૂર છે.
વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે જળવાયું કાર્યવાહી અને આબોહવા ન્યાયની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ સારી નથી. સંબંધિત મુદ્દાઓ યોગ્ય પ્લેટફોર્મ પર સંબોધવાને બદલે યાન હટાવવા અને ગૂંચવવાના પ્રયાસો આપણે જોયા છે.