બ્રિટનના વડાપ્રધાને સાંસદોને નાગરિકોના હિતમાં યોગ્ય વર્તન કરીને બ્રિટનની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી

લંડન,

બ્રિટિશ સાંસદો વિદેશના સત્તાવાર પ્રવાસે જાય છે ત્યાં સેક્સ અને દારૂ પાર્ટીમાં ડૂબી જતા હોવાના અહેવાલો પછી બ્રિટનના વડાપ્રધાન રિશિ સૂનકે એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને સાંસદોને નાગરિકોના હિતમાં યોગ્ય વર્તન કરીને બ્રિટનની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી હતી.

બ્રિટિશ સરકારના આંકડાંઓને ટાંકીને મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે બ્રિટનના અમુક સાંસદો વિદેશમાં સત્તાવાર પ્રવાસે જાય છે પછી દારૂ અને સેક્સ પાર્ટીમાં છાકટા થઈ જાય છે. હોટેલોમાં કોલગર્લ્સને બોલાવતા હોવાના દાવા પછી આ અંગે બ્રિટિશ વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરીને સાંસદોને યોગ્ય વર્તન કરવાની સલાહ આપી હતી.

બ્રિટનના ૧૩૦ સાંસદોને ખાસ દેશોનું કામ સોંપવામાં આવ્યું છે. દેશો સાથે સંબંધો વિક્સાવવા માટે બ્રિટિશ સરકાર સાંસદોને જે તે દેશના પ્રવાસે મોકલે છે. એનો ખર્ચ બ્રિટનની સરકાર અંતર્ગત આવતા સાંસદોના એક સર્વપક્ષીય દળને સોંપવામાં આવી છે. રહેવા સહિતની સગવડો યજમાન દેશ કરે છે.

આમાંના ઘણાં સાંસદો વિદેશ પ્રવાસમાં સેક્સ અને દારૃમાં ડૂબી જાય છે. હોટેલમાં કોલગર્લ્સને બોલાવે છે અને દારૃના નશામાં ધૂત થઈને દેશની છબીને લાંછન લગાડે છે  એવો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો. સાંસદોના વર્તન બાબતે સંસદીય સમિતિના અહેવાલો બાદ વડાપ્રધાન રિશિ સૂનકે ચિંતા વ્યક્ત કરી હતી. સાંસદો દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશવાસીઓના હિત માટે વિદેશ પ્રવાસો કરે છે.

સત્તાવાર વિદેશ પ્રવાસોમાં આ પ્રકારનું વર્તન યોગ્ય નથી અને સાંસદોએ દેશવાસીઓના હિતમાં વર્તન કરવું જોઈએ એવી સલાહ રિશિ સૂનકે આપી હતી. વડાપ્રધાનના પ્રવક્તાના કહેવા પ્રમાણે વડાપ્રધાન આ બાબતે પરેશાન છે અને સાંસદોને વર્તન સુધારવાની સલાહ આપવા ઉપરાંત તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વિદેશમાં જઈને સેક્સ-દારૃમાં ડૂબી જતાં કેટલાક સાંસદો સામે આ જ બાબતો પુરાવા તરીકે રજૂ કરીને ગેરફાયદો ઉઠાવી શકાય એવી પણ શક્યતા નકારી શકાતી નથી.