નવા વર્ષ પહેલા પૂણેમાં ૨ કરોડનો દારૂ, ૧૨ લાખનો મ્યાઉ-મ્યાઉ જપ્ત, ડ્રગ્સને લઈને મુંબઈ પોલીસ કડક

મુંબઇ,

મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટ નાઈટ અને ન્યૂ યર પાર્ટીઓ પહેલા ડ્રગ્સ અને ગેરકાયદેસર દારૂનો ધંધો અને તેની ધરપકડ વધી છે. ગુરુવારે (૨૯ ડિસેમ્બર) પૂણેમાં એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે ગોવામાં બનેલો લગભગ રૂપિયા ૨ કરોડની કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યો હતો. બે ટ્રકમાં ભરીને બે હજાર પેટી ગેરકાયદેસર દારૂ લાવવામાં આવી રહ્યો હતો. આ કેસમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેવી જ રીતે પૂણે પોલીસે પણ એક મોટી કાર્યવાહી કરતા ૧૧ લાખ રૂપિયાનું મ્યાઉ-મ્યાઉ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. મુંબઈ પોલીસ પણ આવી ગતિવિધિઓ અને પાર્ટીઓ પર નજર રાખી રહી છે.

પૂણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમના યુનિટ ૨ની કાર્યવાહીમાં યેરવડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી ૧૧ લાખ રૂપિયાની કિંમતની ૫૩.૦૮ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે. આના થોડા દિવસો પહેલા પૂણેના રેલ્વે સ્ટેશન પાસેથી ૧૨ લાખ રુપિયાની કિંમતનું મ્યાઉ-મ્યાઉ એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને મૂળ રાજસ્થાનના દાણચોરો મોહમ્મદ ફારૂક અને મોહમ્મદ ઉમર ટાકની ધરપકડ કરવામાં આવી હતી. પાલઘરમાં પણ દમણમાં બનાવટી દારૂનો એક મોટો જથ્થો જપ્ત કર્યો છે.

આ રીતે કોઈપણ રેવ પાર્ટી અથવા આવી ન્યૂ યર પાર્ટી અથવા થર્ટી ફર્સ્ટ નાઈટ સેલિબ્રેશનમાં ભાગ લેનારાઓ માટે સૂચના તરીકે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મુંબઈ અને પૂણે પોલીસ આવા આયોજનો પર ચાંપતી નજર રાખી રહી છે. મુંબઈ પોલીસ સાદા યુનિફોર્મમાં આવી પાર્ટીઓમાં હાજરી આપે છે. શહેરના દરેક મહત્વના જંકશન પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. જે પણ ડ્રગ્સનો ઉપયોગ કરતા જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ૩૧ ડિસેમ્બરે મુંબઈ પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાઓએ ૨૫ ડીસીપી, ૭ એડિશનલ કમિશનર, ૧૫૦૦ અધિકારીઓ, ૧૦,૦૦૦ કોન્સ્ટેબલ, ૪૬ એસઆરપીએફ પ્લાટુન અને ૧૫ ક્યુઆરટીની ટીમો તૈનાત કરવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુંબઈ પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં ઘણી એક્ટિવ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૨માં નવેમ્બર મહિના સુધી મુંબઈ પોલીસે ૪૯૨૮.૬૬ કરોડ રૂપિયાની કિંમતનું ૪૦૩૬ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરમિયાન મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે ૭૦૮ કેસ નોંયા, ૮૪૪ લોકોની ધરપકડ કરી. આ પહેલા એટલે કે ૨૦૨૧માં ૫૯૪ કેસ નોંધાયા હતા. ૧૫૧ કરોડ રૂપિયાની કિંમતનું ૪૦૫૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને ૭૭૬ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. હવે થર્ટી ફર્સ્ટ નાઈટ પહેલા મુંબઈ પોલીસે સતત સતર્કતા વધારી દીધી છે.