મથુરા,
ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સર્વેના આદેશ બાદ હવે મુસ્લિમ પક્ષે સમાધાનની વાત કરી છે. શાહી ઇદગાહ કમિટીના ચેરમેન ડો. ઝહીર હસને કહ્યું કે સર્વેની જરૂર નથી. આ વિવાદ સમાધાન દ્વારા ઉકેલી શકાય છે. તેમણે શાહી ઇદગાહ માટે વૈકલ્પિક સ્થાન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. કહ્યું કે અલ્લાહનું ઘર છે, કોઈ કેક નથી કે કાપીને વહેંચી શકાય. જોકે સમાધાનના વિષય પર પૂછાયેલા પ્રશ્ર્નોના તેઓ કોઈ નક્કર જવાબ આપી શક્યા ન હતા. શાહી ઇદગાહ કમિટીના પ્રમુખ ડો. ઝહીર હસન લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોર્ટે શાહી ઇદગાહના સર્વે માટે આદેશ આપ્યો છે. પરંતુ અહીં કોઈ સર્વેની જરૂર નથી. સમસ્યાનો ઉકેલ વાતચીત અને સમજૂતી દ્વારા બહાર આવી શકે છે.
તેમના નિવેદન પર જવાબ આપતા અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ કહ્યું કે, જો ડો. ઝહીર હસન સમાધાન કરવા ઈચ્છે છે તો હિન્દુ પક્ષ તેમને મસ્જિદ બનાવવા માટે મેવાત વિસ્તારમાં ૧૦ એકર જમીન આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે મથુરા શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે. તે આપણા લલ્લાની ભૂમિ છે અને અહીં ભગવાને અનેક લીલાઓ કરી છે. આ સ્થિતિમાં અમે આ જમીન મસ્જિદ માટે આપી શકીએ નહીં. ત્યારબાદ ડો. ઝહીર હસને જવાબ આપતા કહ્યું કે, શાહી ઇદગાહ પણ એક મસ્જિદ છે. મસ્જિદ એટલે અલ્લાહનું ઘર, કોઈ કેક નથી કે કાપીને તેને વહેંચી શકાય.
હિંદુ પક્ષની મોનિટરિંગ અરજી પર સુનાવણી કરતી વખતે મથુરા કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. આ માટે કોર્ટે કમિશનની રચના કરી છે. કોઈ પણ સંજોગોમાં પંચે ૨૦ જાન્યુઆરી સુધીમાં સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. કોર્ટે મથુરા પ્રશાસન અને મથુરા પોલીસને પણ આદેશ આપ્યો છે કે તેઓ કમિશનનું કામ સરળતાથી પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરે.
હિંદુ પક્ષે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે મોનિટરિંગ પિટિશન દાખલ કરી હતી, જે દાયકાઓથી કોર્ટમાં ગૂંચવાયેલો છે. આ અરજીમાં હિંદુ પક્ષે શાહી ઈદગાહની જમીનને શ્રી કૃષ્ણનું જન્મસ્થળ ગણાવતા અનેક પુરાવા આપ્યા છે. આ અરજી સ્વીકારીને કોર્ટે હકીક્તની ચકાસણી કરવા માટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ રાજકારણ પણ ગરમાયું છે. ક્યારેક હિંદુ તરફથી નિવેદન આપવામાં આવી રહ્યું છે તો ક્યારેક મુસ્લિમ પક્ષ તરફથી નિવેદન આપવામાં આવી રહ્યું છે.