પાકિસ્તાન પોતાની અવળચંડાઇ બંધ કરવાનું નામ નથી લઇ રહ્યું. કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ગોળીબારીની આ ઘટના કાશ્મીરના કુપવાડા અને પુંછ જિલ્લામાં થઇ છે. છેલ્લા 12 કલાકની અંદર પાકિસ્તાને કરેલી ગોળીબારીમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થયા છે, તો પાંચ જવાનો ઘાયલ પણ થયા છે. ઘાયલ જવાનોને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભારતીય જવાનોએ પણ આ ગોળીબારીનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. જેમાં પાકિસ્તાનને પણ ઘણું નુકસાન થયું છે.
બુધવારે રાત્રે પણ પાકિસ્તાને એલઓસી ઉપર ગોળીબાર કર્યો છે. બુધવાર રાતે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબારી કરી છે. ભારતીય જવાનોએ આપેલા જવાબમાં પાકિસ્તાનની બે ચોકીઓનો નાશ થયો છે. તો આ દરમિયાન ચાર પાકિસ્તાની સૈનિકોના ઘાયલ થયાની સુચના પણ મળી છે, જો કે અધિકારિક રીતે તેની પુષ્ટિ થઇ નથી. ત્યારબાદ પણ પાકિસ્તાની સૈનિકોએ અવળચંડાઇ શરુ જ રાખી.
ગુરુવારે સવારે કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ભારતીય ચોકીઓ ઉપર પાકિસ્તાને ગોળીબાર કર્યો. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર મારો પણ કર્યો. આ ગોળીબારીમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા અને પાંચ જવાનો ઘાયલ થયા છે.