ગુસ્સામાં કોઈને મરી જવાનું કહેવું આપઘાતની ઉશ્કેરણી ન કહી શકાય : એમપી હાઈકોર્ટની ટીપ્પણી

ભોપાલ,

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે, ગુસ્સામાં બોલાયેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરવા તરીકે ગણી શકાય નહીં, આવું કહીને હાઈકોર્ટે ખેડૂતને આત્મહત્યા તરફ ધકેલવાના આરોપી ત્રણ શખ્સો સામેની જિલ્લા અદાલતની કાર્યવાહીને રદ કરી દીધી છે.

૨૯ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ, દમોહ જિલ્લાના મુરત લોધી નામના ખેડૂતે ઘરે જંતુનાશક દવા પીધી હતી અને તેના ડાઈગ ડિક્લેરેશનમાં, આરોપ લગાવ્યો હતો કે એક ભૂપેન્દ્ર લોધીએ તેના પર લાઠી વડે હુમલો કર્યો હતો અને તેથી સાથે દુર્વવ્યહાર કર્યો હતો. મુરતે જણાવ્યું હતું કે તેમણે આ સંદર્ભે પઠારિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને જ્યારે તેઓ ફરિયાદ દાખલ કરીને ઘરે પાછા ફર્યા ત્યારે રાજેન્દ્ર લોધી અને ભાનુ લોધીએ સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. તેમણે કહ્યું કે જો તેઓ સમાધાન માટે સંમત ન થાય તો તેઓએ ભયંકર પરિણામો વેઠવાની પણ ધમકી આપી હતી. તેના આધારે પોલીસે મુરતને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ રાજેન્દ્ર, ભૂપેન્દ્ર અને ભાનુ સામે આઈપીસી કલમ ૩૦૬ અને ૩૪ હેઠળ ગુનો નોંયો હતો. ટ્રાયલ કોર્ટે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ત્રણેય આરોપોને રદ કરવાની માંગ માટે હાઈકોર્ટમાં ગયા હતા.

બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ સુજોય પોલની ખંડપીઠે આવી જ બાબતોમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કોઈની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી એ એક માનસિક પ્રક્રિયા છે. કોર્ટે જણાવ્યું હતું કે, ગુસ્સામાં બોલાયેલા શબ્દો જો મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવે છે અથવા ધમકી આપવામાં આવે અને તેને આધારે તે વ્યક્તિ આત્મહત્યા કરે તો આરોપી સામે આત્મહત્યાનો કેસ બનતો નથી. હાઈકોર્ટે કહ્યું કે આરોપીઓએ મૃતકને એવું પણ કહ્યું હતું કે જા મરી જા. આવા કિસ્સામાં આરોપીઓ વતી ઉશ્કેરણીનો કોઈ કેસ બનતો નથી અને તેમની સામે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ ગુનો ન દાખલ કરી શકાય.

સુપ્રીમ કોર્ટના અન્ય એક આદેશને ટાંકીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટીસે કહ્યું કે ઉશ્કેરણીમાં વ્યક્તિને ઉશ્કેરવાની અથવા કોઈ વ્યક્તિને કોઈ કામ કરવામાં ઇરાદાપૂર્વક મદદ કરવાની માનસિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આત્મહત્યાની ઉશ્કેરણી અથવા ઉશ્કેરણીમાં મદદ કરવા આરોપીના સારા કામ વગર સજા ન ટકી શકે. આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ કોઈ વ્યક્તિને દોષી ઠેરવવા માટે ગુનાહિત ઈરાદો હોવો જોઈએ તો જ આરોપીને દોષી ઠેરવી શકાય છે. ગુનાહિત ઈરાદા વગર ખાલી બોલાયેલા શબ્દોને આધારે કોઈ વ્યક્તિને આપઘાતની ઉશ્કેરણી માટે દોષી ન ઠેરવી શકાય.