- જોધપુરની શેરીઓમાં બ્લૂ પેઈન્ટિંગ્સ,ઉદયપુર વીઆઈપી ડેસ્ટિનેશન બન્યું.
નવીદિલ્હી,
નવું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે. આ વખતે નવું વર્ષ લૉન્ગ વીકેન્ડમાં આવી રહ્યું છે. નવા વર્ષના ઉમંગ અને રજાઓના કારણે પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. આ વખતે બે વર્ષના કોરોનાકાળ પછી પહેલીવાર દેશના પ્રવાસન સ્થળોએ રોનક દેખાઇ રહી છે. પહાડો, રણપ્રદેશ અને સમુદ્ર કિનારો ધરાવતા કાશ્મીર, હિમાચલ, રાજસ્થાન અને ગોવામાં તો વિશેષ તૈયારી કરાઇ છે. હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પહેલીવાર બીજી જાન્યુઆરી સુધી રેસ્ટોરન્ટ-ઢાબા ૨૪ કલાક ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ છે. કાશ્મીરમાં આ વખતે પ્રવાસીઓ એલઓસી નજીક વિલેજ ટુરિઝમને પણ પસંદ કરી રહ્યા છે.
કાશ્મીરના પરંપરાગત પ્રવાસન સ્થળોની સાથે બારામુલા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં એલઓસી વિલેજ ટુરિઝમની ભારે બોલબાલા છે. ગુરેઝમાં દોઢ લાખ અને કુપવાડામાં એક લાખ સહેલાણી આવી ચૂક્યા છે. રાજસ્થાનની રાજધાની જયપુર સહિત જોધપુર અને જેસલમેરમાં પણ મોટા પાયે પ્રવાસીઓ આવી રહ્યા છે. પૂર્વ રાજસ્થાનના ધોરોમાં ક્રિસમસ વિકેન્ડમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. દેશની ‘પાર્ટી કેપિટલ’ તરીકે પ્રસિદ્ધ ગોવામાં પણ આ વખતે બે વર્ષ પછી પહેલીવાર સ્પેશિયલ બીચ પાર્ટીઓના આયોજનને મંજૂરી અપાઈ છે. આ પાર્ટીઓમાં દેશમાંથી જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ લોકો મોટા પાયે ઊમટી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં સ્થાનિક વાનગીઓ અને હોમ સ્ટેનું પેકેજ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. લાહૌલના સિસ્સુમાં હોમ સ્ટે ચલાવતા ટેનજરિંગ બાચીરપ્પા કહે છે કે, લાહૌલ ટનલથી પ્રવાસીઓ માટે રસ્તો વધુ સરળ થઇ ગયો છે. અટલ ટનલ બનતા પહેલા આ વિસ્તારમાં આશરે ૨૫ હોટલ હતી, પરંતુ હવે અહીં સેંકડો હોટલ અને હોમ સ્ટે પણ છે.
શ્રીનગરની એક હોટેલના મેનેજર યાવર કહે છે કે ગુલમર્ગ અને પહેલગામ સહિત અન્ય પર્યટન સ્થળોએ નવા વર્ષે ભારે હિમવર્ષાની શક્યતા છે. પર્યટકોની જાન્યુઆરીના પહેલા પખવાડિયા સુધી બમ્પર અવર-જવર રહેવાની શક્યતા છે.કાશ્મીરમાં એલઓસી નજીકથી અમુક ગામડાને એપલ, હેન્ડીક્રાટ અને અન્ય વિશેષતાઓના આધારે વર્ગીકૃત કરાયા છે. પર્યટન વિભાગના નિર્દેશક ફઝલ ઉલ હસીબ કહે છે કે હોમ સ્ટે, હાઉસ બોટ અને પ્રાઈવેટ હોમ્સમાં પણ ટુરિસ્ટ સ્ટેને મંજૂરી અપાઈ છે.
લેકસિટી જી-૨૦ ઈવેન્ટને કારણે આ વર્ષે વીઆઈપી ડેસ્ટિનેશન બનીને ઉભરી આવ્યું છે. અનેક પ્રસિદ્ધ લોકો અહીં આવી રહ્યા છે. પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યા છે. અનેક હોટલ-રિસોર્ટ, લેક સાઈટ રેસ્ટોરન્ટમાં કન્સર્ટ, ડીજે નાઇટ યોજાશે. ન્યૂ યર પાર્ટીના ૬૦૦૦થી ૧૫ હજાર પ્રતિ વ્યક્તિના પેકેજ અપાઈ રહ્યા છે. આ પેકેજ અગાઉ કરતા ૨૦% મોંઘા છે.
શહેરની અનેક શેરીઓમાં બ્લૂ પેઈન્ટિંગ્સ લગાવાયા છે. ટુરિસ્ટ બ્લૂ સિટીના આ નજારાના ફોટા શેર પણ કરી રહ્યા છે. મંડોરના પ્રસિદ્ધ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ અને ઘંટાઘરમાં નાઇટ બજાર પર્યટકોને આકર્ષી રહ્યા છે. લેપર્ડ સફારીને કારણે જવાઈ ડેમ નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. જોધપુર આવતા પર્યટકોએ માઉન્ટ આબુ અને જવાઈ ડેમ માટે બુકિંગ પણ કરાવ્યા છે. ગોવામાં ન્યૂયર માટે ૮૦ સ્પેશિયલ પાર્ટીને મંજૂરી અપાઈ છે. તેમાં માંડવી નદી કિનારે પણ પાર્ટી યોજાશે. પણજીના ઈવેન્ટ મેનેજર રોશેન મોન્ટેરા કહે છે કે હોટેલોએ બાળકો-વૃદ્ધો માટે ખાસ ઘોંઘાટ વગરની પાર્ટી આયોજિત કરી છે. બીચ પર બે વર્ષ પછી જાહેરમાં આતશબાજી કરાશે.