નવીદિલ્હી,
દિલ્હી-એનસીઆરમાં ઠંડી અને શીતલહેર વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૩૧ ડિસેમ્બરથી ફરીથી શીતલહેર અને ગાઢ ધુમ્મસનો પ્રકોપ વધશે. સાથે જ બે જાન્યુઆરી સુધી ન્યૂનત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો આવશે. જો કે, બુધવારે દિલ્હીમાં કડકડતી ઠંડીથી થોડી રાહત મળશે, પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે. તો વળી ગૌતમબુદ્ધ નગર પ્રશાસને ઠંડીની સિઝનને જોતા નોઈડા અને ગ્રેટર નોઈડામાં આઠમા ધોરણ સુધીના ક્લાસ એક જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ડીઆઈઓએસ ધર્મવીર સિંહે જણાવ્યું છે કે, જિલ્લા મજિસ્ટ્રેટ સુહાસ એલવાઈ તરફથી આદેશ જાહેર કર્યા છે, તેમણે જણાવ્યું છે કે, આદેશ અનુસાર, આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે એક જાન્યુઆરી ૨૦૨૩ સુધી સ્કૂલોમાં ક્લાસ ચાલુ રહેસે નહીં. તમામ પ્રધાનાધ્યાપક આ આદેશનું પાલન કરે.
હકીક્તમાં જોઈએ તો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે લોકોને ઠંડીથી થોડી રાહત મળશે. જો કે, આ રાહત ફક્ત થોડા દિવસ માટે જ હશે, અને જાન્યુઆરીમાં ઠંડીનો પ્રકોપ ફરીથી વધવાના અણસાર છે. રેલ્વેના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી જતી ૧૪ ટ્રેન મોડી ચાલી રહી છે. સફદરજંગ વેધશાલામાં બુધવારે ન્યૂનતમ તાપમાન ૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે ન્યૂનતમ તાપમાન ૫.૬ ડિગ્રી સેલ્સિયસ અને સોમવારે પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વૈજ્ઞાનિકોએ દિવસના તાપમાનમાં આ ઘટાડા માટે મેદાની વિસ્તારમાંથી પસાર થતી ઉત્તર પશ્ર્ચિમી હવાઓ અને ધુમ્મસના કારણે આ અસર થતી હોવાનું કહી રહ્યા છે. સ્કાઈમેટ વેદરના મૌસમ વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન સંબંધી વિભાગના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે જણાવ્યું છે કે, પશ્ર્ચિમી વિક્ષોભના કારણે ૨૫-૨૬ ડિસેમ્બરે પહાડોમાં ફરીથી બરફવર્ષા થઈ, જે બાદ ઉત્તર પશ્ર્ચિમી ઠંડી હવાઓ હવે મેદાની વિસ્તારોમાં વહી રહી છે. નવા વર્ષના પ્રથમ અઠવાડીયામાં ઉત્તર પશ્ર્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો સામનો કરવો પડી શકે છે. ભારત હવામાન વિભાગે બુધવારે આ જાણકારી આપી છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાક સુધી લોકોને રાહત મળશે, પણ ૩૧ ડિસેમ્બરથી ગાઢ ધુમ્મસ અને શીતલહેરનો પ્રકોપ વધશે.