ચંદા કોચરના પુત્રના હાઈપ્રોફાઈલ લગ્ન રદ: જેસલમેરમાં બે મોંઘી હોટલ બુક કરવામાં આવી હતી

મુંબઈ,

આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ બાદ તેમના પુત્રના લગ્ન રદ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોચર દંપતીના પુત્ર અર્જુનના લગ્નના ફંક્શન ૧૫ થી ૧૮ જાન્યુઆરી સુધી જેસલમેરની બે સૌથી મોંઘી હોટલમાં યોજાનાર હતા. આ હોટલ સાથે જોડાયેલા મેનેજમેન્ટ અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે આ લગ્ન માટે મુંબઈની ઈવેન્ટ કંપનીએ તમામ બુકિંગ કેન્સલ કરી દીધા છે.

વાસ્તવમાં ચંદા અને દીપક કોચરની સીબીઆઇએ શુક્રવારે ધરપકડ કરી હતી. આ ધરપકડ વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી કરોડો રૂપિયાની લોનના સંબંધમાં કરવામાં આવી હતી. એવો આરોપ છે કે જ્યારે ચંદા કોચરે દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક આઇસીઆઇસીઆઇ બેંકનો હવાલો સંભાળ્યો ત્યારે વીડિયોકોનની વિવિધ કંપનીઓને ૬ લોન મંજૂર કરવામાં આવી હતી.

અર્જુન કોચરના ડેસ્ટિનેશન વેડિંગ માટે જેસલમેરની ૨ મોટી અને મોંઘી હોટલ બુક કરવામાં આવી હતી. આ સાથે લગ્નમાં મહેમાનો માટે ૧૫૦ લક્ઝુરિયસ કારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કોચર દંપતી જેલમાં જતા સમગ્ર કાર્યક્રમ બગડી ગયો છે. એરપોર્ટ પરથી મહેમાનોને લેવા અને જેસલમેરની આસપાસ લઈ જવા માટે તમામ વાહનો બુક કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ચંદા કોચરના પુત્ર અર્જુનના લગ્ન બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવતી સંજના સાથે નક્કી થઈ ગયા છે. લગ્ન પહેલાની પાર્ટી પણ રદ્દ કરી દેવાઈ છે : સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ સ્થિત ઈવેન્ટ કંપની જેને લગ્નનું કામ આપવામાં આવ્યું હતું તે ત્રણ મહિના પહેલા જ જેસલમેરમાં લગ્નની તૈયારી કરી રહી હતી. હોટેલ બુકિંગથી લઈને વાહનો, ચાર્ટર, સંગીત, ફૂલો સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. ધરપકડના એક દિવસ પહેલા, કોચર દંપતીએ ૭ જાન્યુઆરીએ તેમના પુત્રના લગ્નની પ્રી-પાર્ટી માટે મહેમાનોને આમંત્રણ આપતો વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો. આ પાર્ટી મુંબઈની તાજ હોટલમાં યોજાવાની હતી. કોચર દંપતીને બે બાળકો અર્જુન અને આરતી છે. પુત્રી આરતીના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. લગભગ ૨૬ વર્ષનો અર્જુન યુએસએની યેલ યુનિવસટીમાં ભણ્યો છે. તેણે પ્રખ્યાત કન્સલ્ટન્સી ફર્મ મેકેન્ઝીમાં પણ કામ કર્યું છે.