પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા ઉપર છે : તબીબો

અમદાવાદ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા ગઈકાલે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શતાયુ ઉંમરના હીરાબા હોસ્પિટલમાં દાખત થતા પીએમ મોદી પણ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. ત્યારે હાલ હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે. જોકે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે પણ યુએન મહેતા હોસ્પિટલમાં ફરી એકવાર હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા ગઈકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાયુ હતું, જેના બાદ આજે નવું હેલ્થ બુલેટિન જાહેર કરાયું છે. નવી માહિતી પ્રમાણે હીરાબાની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. હીરાબાને સતત ડોક્ટરોના નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે. હાલ હીરાબાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તો આજે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ હોસ્પિટલમાંથી નીકળીને કહ્યુ હતું કે, હીરાબાની તબિયત ખૂબ જ સરસ છે. તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હીરાબાને દાખલ કરાયા બાદ સૌથી પહેલા ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા હતા.

હીરાબાના સ્વાસ્થ્ય માટે દેશભરમા પ્રાર્થના કરાઈ હતી. અમદાવાદમાં વિશ્ર્વ ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન કરાયુ હતું અને હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. તો અરવલ્લીના ભિલોડામાં હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. ધારાસભ્ય પી સી બરંડાની હાજરીમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકોને રામધૂન બોલાવી હતી. મહેસાણાના વડનગરમાં હાટકેશ્ર્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા કરાઈ. હતી. હીરાબાના દીર્ઘ આયુષ્યની માટે રુદ્રાભિષેક કરાયો. હતો. તો રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા કરાઈ હતી. યુવાનોએ ગૌ માતાની પૂજા કરી અને હીરાબાના દીર્ઘાયુષ્ય માટે યુવાનોએ પ્રાર્થના કરી હતી.

પાટણમાં હીરાબાના મોસાળમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે લોકોએ પ્રાર્થના કરી હતી. હીરાબાની નાદુરસ્ત તબિયતને લઈને મોસાળમાં લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. સરસ્વતી તાલુકામાં આવેલ કાંસા ગામ હીરાબાનું મોસાળ છે. ત્યારે હીરાબાના મોસાળમાં તેમના સગા વ્હાલાઓએ હીરબાની નાદુરસ્ત તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હીરબાની તબિયત જલ્દીથી સુધારા પર આવે તે માટે હીરાબાના પરિવારના લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. હીરાબાએ બાળપણમાં કાંસા ગામમાં અને કાંસા ગામના ખેતરોમાં દિવસો વિતાવ્યાની પરિવારે વાતો વાગોળી હતી. દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાંસા ગામમાં તેમનું મોસાળ થાય છે તેવો ઉલ્લેખ અનેકવાર કર્યો હતો.