દે.બારીઆના કોળીનાપુવાડા ગામે છકડો પલ્ટી જતા એક યુવકનુ મોત : પાંચ ધાયલ

દે.બારીઆ,

દે.બારીઆના કોળીના પુવાડા ગામે છકડો પલ્ટી ખાતા સસરાની મરણ વિધિમાં જતા યુવકનુ મોત નીપજયું હતુ. જયારે ચારથી પાંચ લોકો ધાયલ થયા હતા. છકડો પલ્ટી ખવડાવી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ દે.બારીઆ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી.

દે.બારીઆના સંચાગલીની સામે રાણીવાવ ફળિયામાં રહેતા કોકીલાબેન ધર્મેશભાઈ મોહનીયાના પિતાનુ મરણ થતાં તેઓ તેમના પતિ ધર્મેશભાઈ ચંદ્રસિંહ મોહનીયા અને ફોઈની છોકરી ઉર્મીલાબેન મડીયાભાઈ પરમાર સાથે મરણવિધિમરાં જવા માટે જીજે-17-વીવી-3187 નંબરના છકડો ભાડે કરી તેમાં બેસી નાના પુવાળા ગામે માસીના ધરે ગયા હતા. અને ત્યાંથી માસા રઘુનંદનભાઈ શુકલસિંહ ભાભોર તથા લલીતાબેન રઘુનંદનસિંહ ભાભોરને છકડામાં બેસાડી કોળીના પુવાડાથી હિન્દોૈરીયા ગામે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન થોડે આગળ જતા ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતા છકડો રોડની સામે પલ્ટી ખવડાવી દીધો હતો. જેમાં છકડામાં સવાર બધા ફંગોળાઈ ગયા હતા. અને કોળીના પુવાડા ગામના કાંતાબેન ભરતભાઈ ભાભોર તથા સુમીત્રાબેન બાબુભાઈ ભાભોર રોડ ઉપર ઉભા હોઈ તેઓ પણ અડફેટમાં આવી જતા ધાયલ થતાં ચાલક ત્યાંથી નાસી ગયો હતો. છકડામાં સવાર રઘુનંદનસિંહ શુકલભાઈ ભાભોર, લલીતાબેન રઘુનંદનસિંહ ભાભોર, કાંતાબેન ભરતભાઈ ભાભોર, તથા સુમીત્રાબેન બાબુભાઈ ભાભોર, ઉર્મીલાબેન મડીયાભાઈ પરમારને ઈજાઓ પહોંચી હતી. તેમજ ધર્મેશભાઈ ચંદ્રસિંહ મોહનીયાને માથામાં તેમજ મોઢાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું હતુ. ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે ખસેડાયા હતા. અને કોકીલાબેન મોહનીયાએ છકડો પલ્ટી ખવડાવી ફરાર ચાલક વિરુદ્ધ દે.બારીઆ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.