શહેરા,
પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથધરી હતી. ત્યારે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.ખરાડીને બાતમી મળી હતી કે, શહેરા તેમજ મોરવા હડફ પોલીસ મથકના પશુ સંરક્ષણ અધિનિયમના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મેહબૂબ ઉર્ફે ભોલો શેખ ગોધરા થી શહેરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે તેને ઝોઝ પાટિયા નજીક આવેલ રેડ એપલ હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે શહેરા પોલીસ મથકના જ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નસરૂલ્લા શેખ અને મુસ્તકીમ શેખ શહેરા સિંધી બજારમાં ફરે છે. તેવી બાતમીના આધારે શહેરા પોલીસની ટીમે તેમણે પણ ઝડપી પાડ્યા હતા. આમ, શહેરા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.