ગોધરા પાલિકા દ્વારા 50 હજાર ઉપરાંતના વેરાની રકમ માટે ચાર ટીમો બનાવી વેરા વસુલાત હાથ ધરી : 6.11 લાખની વસુલાત કરી

  • પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ પેન્શન નહિ ચુકવતા ધરણાં કરતાં પાલિકા તંત્ર સફાળું જાગ્યું.

ગોધરા,

ગોધરા નગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે પાલિકા દ્વારા સ્પેશીયલ સ્કોર્ડ બનાવવામાં આવી છે અને ચાર ટીમો વિવિધ વિસ્તારમાં જેની 50,000/-રૂપીયાથી વધુ વેરાની રકમ બાકી હોય વેરાની વસુલાત હાથ ધરવામાં આવી. જેમાં હાલ 6,11,568/-રૂપીયા રીકવરી કરવામાં આવી છે.

ગોધરા નગર પાલિકાના નિવૃત્ત પેન્શનરોને છેલ્લા ચાર મહિનાથી પેન્શનની રકમ ચુકવવામાંં આવી ન હોય આ બાબતે પેન્શનરો પાલિકામાં રજુઆત કરવા છતાં પેન્શનનું ચુકવણું કરવામાં બહાના બાજી કરતા હોય ત્યારે નિવૃત્તિ બાદ માત્ર પેન્શન ઉપર જીવન નિર્વાહ કરતા કર્મચારીઓ દ્વારા આખરે પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવીને 28 ડિસેમ્બરના રોજ પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણાં શરૂ કર્યા હતા. ત્યારે પાલિકા તંત્ર સફાળું જાગ્યુંં હતું અને પાલિકા વિસ્તારની મિલ્કતોના બાકી પડતા વેરાની વસુલાત કરવાનું બીડું ઝડપ્યું હતું અને પાલિકા દ્વારા સ્પેશીયલ સ્કોર્ડ બનાવવામાં આવી હતી. જેમાં ચાર ટીમો દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં 50,000/રૂપીયા ઉપરાંંતના વેરાની રકમ બાકી હોય તેવા લોકો પાસેથી ડોર ટુ ડોર વસુલાત હાથ ધરવામાં આવી છે. પાલિકા વિસ્તારના 11 વોર્ડમાં 16,15,25,395/-રૂપીયા જેટલા વેરાની રકમ બાકી બોલે છે. જેને લઈ પાલિકાની ચાર ટીમો દ્વારા બાકી મિલ્કત વેરાની ઉધરાણી શરૂ કરવામાં આવી છે. હાલ ગોધરા પાલિકાની આર્થિક સ્થિતી કફોડી છે. તેની સામે પાલિકા વિસ્તારનો 16 કરોડ ઉપરાંતના વેરાની રકમ બાકી બોલી રહી છે. તેમાં ગોધરા પાલિકાના કાઉન્સીલરો માંથી મોટાભાગના કાઉન્સીલરોના વેરાની રકમ ચોપડે બાકી છે. તેમાં પણ સરકારી ઓફિસો તેમજ સ્કુલોના લાખો રૂપીયાના વેરા બાકી બોલે છે. તેવા વેરાની વસુલાત માટે પાલિકા તંત્ર પાંગળું સાબિત થઈ રહ્યું છે. જેને કારણે પાલિકાની આર્થિક સ્થિતીમાં સુધારો આવી રહ્યો નથી. જ્યારે પાલિકાના નિવૃત કર્મચારીઓને ચાર માસથી પેન્શનની રકમ નહિ ચુકવી શકતા પેન્શનરો પ્રતિધ ધરણાં ઉપર ઉતરતા પાલિકા તંત્ર બાકી મિલ્કત વેરાની વસુલાત હાથ ધરવામાં આવી છે. પાલિકાની વેરા વસુલાતની ચાર ટીમો દ્વારા મિલ્કતવેરાના પાછલા બાકી વેરા માંથી 5,11,476/-રૂપીયા રોકડ જ્યારે ચાલુ વર્ષ વેરા વસુલાત માંથી 1,000,092/-રૂપીયા મળી કુલ 6,11,568/-રૂપીયાની વસુલાત હાથ ધરવામાં આવી છે.

બોકસ:

ગોધરા પાલિકા વિસ્તારના વેરાની વસુલાત માટે બનાવેલ ચાર ટીમો દ્વારા 50,000/-રૂપીયાના ઉપરાંત વેરાની રકમ બાકી હોય તેવા મિલ્કત ધારકો પાસેથી વેરા વસુલાત હાથ ધરવામાં આવી છે. જેમાં 35 મિલ્કતોમાં સ્કુલો અને સરકારી મિલ્કતોના વેરા બાકી છે. પાલિકાની 16 કરોડ 15 લાખ 25,395/-રૂપીયાનો વેરો રેકર્ડ ઉપર બાકી બોલી રહ્યો છે. તેમાંંથી અડધી રકમ પણ વસુલાત કરવા માટે પાલિકા તંત્ર ધ્યાન આપે તો પાલિકાની આર્થિક સ્થિતીમાં તબકકાવાર સુધારો આવી શકે છે.