નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ’ભારત જોડો યાત્રા’એ દિલ્હી આવ્યા બાદ વિરામ લીધો છે. હવે ફરી આ યાત્રા થોડા દિવસો પછી શરૂ થશે. યાત્રાનો આગળનો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૩ના લોની બોર્ડરથી શરૂ થશે. ત્યારબાદ ’ભારત જોડો યાત્રા’ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. યાત્રા પર બ્રેક લાગવાના કારણે આ દિવસોમાં રાહુલ ગાંધી દિલ્હીમાં જ છે. આ દરમિયાન ગઈકાલે તેઓ દિલ્હીના માર્કેટમાં જોવા મળ્યા હતા.
વાસ્તવમાં રાહુલ ગાંધી મંગળવારે અચાનક દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીને બજારમાં તેમની વચ્ચે જોઈને લોકો ચોંકી ગયા હતા. જેમ જેમ લોકોને ખબર પડી તો રાહુલ ગાંધીની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ અને લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા હતા.
કોંગ્રેસ નેતા વીરેન્દ્ર ચૌધરીએ રાહુલ ગાંધીની દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં ફરતા બે તસવીરો શેર કરી છે, જેમાં રાહુલ ગાંધી બ્લેક કલરના ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોના કેપ્શનમાં કોંગ્રેસ નેતાએ લખ્યું, દિલ્હીના રસ્તા પર જનતાની વચ્ચે અચાનક પહોંચેલા રાહુલ ગાંધીજી. સાંસદજીને આ રીતે જોઈને બીજેપી અને છછઁના લોકોનું તાપમાન વધી ગયું હશે.
રાહુલ ગાંધી ’ભારત જોડો યાત્રા’ દરમિયાન કંઈક ને કંઈક નવું કરતા જોવા મળી રહ્યા છે, જેનાથી તેઓ સામાન્ય જનતા સાથે સીધા જોડાઈ રહ્યા છે. અત્યારે રાહુલ ગાંધી એક લાંબી પદયાત્રા બાદ દિલ્હીમાં આરામ પર છે, પરંતુ તેમ છતાં તેઓ દિલ્હીના બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’ને બ્રેક આપવામાં આવ્યો છે. યાત્રામાં સાથે આવેલા કન્ટેનરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કન્ટેનર રિપેર થયા બાદ યાત્રા ફરી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ૩ જાન્યુઆરીથી ૦૫ જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં રહેશે, ત્યારબાદ તે આગળ વધશે.