નવીદિલ્હી,
આથક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકા આવેલ તેમના દૂતાવાસની ઇમારતને વેચવાની મંજૂરી આપી હતી. હવે તેને ખરીદવા માટે બોલી પણ લગાવવામાં આવી છે. એક ભારતીય પ્રોપર્ટી એજન્ટે પણ આ ઈમારત ખરીદવા માટે બિડ લગાવી છે. પાકિસ્તાનના દૂતાવાસની ઈમારત ખરીદવા માંગનારાઓમાં કુલ ત્રણ બિડર્સ છે. આ ઈમારત અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં આવેલી છે અને તેની કિંમત લગભગ ૬ મિલિયન યુએસ ડોલર હોવાનું કહેવાય છે.
પાકિસ્તાને વેચવા કાઢેલ ઈમારતમાં અગાઉ પાકિસ્તાનના દૂતાવાસનું સંરક્ષણ વિભાગ કામ કરતું હતું. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય પ્રોપર્ટી એજન્ટે કથિત રીતે ઇં૫ મિલિયન (રૂ. ૪૧.૪૨ કરોડ)ની બોલી લગાવી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાની રાજદ્વારી સૂત્રોને ટાંકિને અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ ઇં૬.૮ મિલિયન (રૂ. ૫૬.૩૩ કરોડ)ની સૌથી વધુ બોલી એક યહૂદી જૂથે લગાવી હતી. આ યહૂદી જૂથ આ ઈમારતમાં સિનેગોગ એટલે કે પ્રાર્થના કરવાનું સ્થળ બનાવવા માંગે છે. લગભગ ઇં૪ મિલિયન (રૂ. ૩૩.૧૩ કરોડ)ની ત્રીજી બોલી પાકિસ્તાની પ્રોપર્ટી એજન્ટની છે.
પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે વોશિંગ્ટનમાં પાકિસ્તાનની ત્રણ રાજદ્વારી મિલક્તો આવેલી છે. જેમાંથી એક આર સ્ટ્રીટ પરની ઈમારત છે. જે વેચાઈ રહી છે. ૧૯૫૦ના દાયકાથી લઈને ૨૦૦૦ના દાયકાની શરૂઆત સુધી પાકિસ્તાન એમ્બેસીના ડિફેન્સ સેક્શન આ બિલ્ડિંગમાં બેસીને કામકાજ કરતુ હતું. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ મીડિયા રિપોર્ટ પ્રકાશીત કરનારને એવુ જણાવ્યું હતું કે નવા કે જૂના કોઈ દૂતાવાસને વેચવાના નથી.
દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે તે ખૂબ જ જૂની ઇમારત છે અને છેલ્લા ૧૫ વર્ષથી ખાલી છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે, કેબિનેટે વોશિંગ્ટનમાં આવેલ પાકિસ્તાની દૂતાવાસની માલિકીની ઇમારતની હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇં૪.૫ મિલિયનની અગાઉની બિડને હવે ૬.૯ મિલિયનની બીજી બિડ દ્વારા બદલવામાં આવી છે.