- અગાઉ મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો.
નવીદિલ્હી,
નેપાળ અને ઉત્તરાખંડમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, ભૂકંપના આ આંચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે માલ મિલક્તને નુક્સાન પહોચ્યું હોવાના કોઈ અહેવાલ નથી. સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિના ૧ અને ૨ વાગ્યાની વચ્ચે નેપાળના બાગલુંગમાં ૪.૭ અને ૫.૩ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં ૪.૭ અને ૫.૩ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર, બાગલુંગ જિલ્લાના અધિકારી ચૌરા પાસે ૦૧:૨૩ (સ્થાનિક સમય) પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય ભારતના ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધ્યરાત્રિના ૨:૧૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આનાથી કોઈ નુક્સાનના અહેવાલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭ ડિસેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના આ આંચકાને લઈને કોઈ જાનહાનિ કે માલ મિલક્તને નુક્સાન પહોચ્યું હોવાના અહેવાલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની ૯ અને ૧૦મી તારીખે મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દસમી ડિસેમ્બરે ૩૩ મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ઘરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં સવારે ૧૧.૨૮ વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૧ માપવામાં આવી હતી. મણિપુરના ચંદેલમાં અનુભવાયેલા ભૂકંપનુ કેન્દ્રબિંદુ જમીનથી ૯૩ કિમીની ઊંડાઈએ હતું. આની બે મિનિટ બાદ એટલે કે ૧૧.૩૦ વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ધરતી ધ્રૂજી હતી. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૮ નોંધાઈ હતી. આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી પાંચ કિલોમીટરની ઉંડાઈએ હતું.
આ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં પણ દસમી ડિસેમ્બરે મયરાત્રીના ૧૨.૦૧ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ૫ કિમીની ઊંડાઈએ હતું. ત્રણેય રાજ્યોમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નહોતા.