અમદાવાદ,
નવા વર્ષની ઉજવણી દારૂ પાર્ટી સાથે કરવા માટે યુવાઓ આતુર છે ત્યારે પોલીસ પણ તેમને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બુટલેગરો નવી નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો લાવી રહ્યા છે જેમને રોકવા માટે પોલીસ પાસે હ્યુમન સોર્સ પણ પુરતા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડ્રમમાં રમનો પર્દાફાશ કરતા એક ખેપીયાને દારૂના જથ્થો સાથે ઝડપી પાડ્યો છે. સુરક્ષીત દારૂનો જથ્થો પહોંચાડવા માટે બુટલેગર હવે ડ્રમનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યારબાદ ધોળા દિવસે ડીલીવરી કરી રહ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ઇન્દિરા બ્રીજ સર્કલથી ડફનાળા તરફ ગાંધીનગર પાસિંગનો એક લોડિંગ ટેમ્પો જઇ રહ્યો છે. જેમાં રમની બોટલો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વોચમાં હતી ત્યારે એક ગાંધીનગર પાસિંગનો ટેમ્પો પસાર થયો હતો. એમએમસીએ ટેમ્પા ચાલકને રોકીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે, તે ડ્રમમાં કેમિકલ છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને પાક્કી બાતમી હતી કે, કેમિકલની આડમાં દારૂનો જથ્થો જઇ રહ્યો છે. એસએમસીની ટીમે ટેમ્પામાં જોયું તો કેટલાક બોક્સ હતા જેની અંદર ડ્રમ મુક્યા હતા. સીલ પેક ડ્રમ ખોલતાની સાથે પોલીસ ચોંકી ઉઠી હતી કારણે તેમાં કેમિકલ નહી પરંતુ રમની બોટલો હતો.
એસએમસીની ટીમે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કાનજી મકવાણાની ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી હતી. પૂછપરછ દરમિયાન કાનજી મકવાણાએ જણાવ્યુ હતું કે, દેવેન્દ્ર પાલ અને ડુંગરસિંગના કહેવાથી બોક્સ શાહીબાગમાં ડિલીવરી કરવા માટે જતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર કાનજી મકવાણા, ડુંગરસિંગ, હસમુખ, ગૌરવ ચૌધરી અને દેવેન્દ્ર પાલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
એસએમસીએ કુલ ૪૮૦ રમની બોટલ અને ૧૦ ડ્રમ સહિત ૩.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યુ છે કે, બુટલેગરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે અને તે ડ્રમમાં દારૂની બોટલો મોકલી રહ્યા છે. બુટલેગરોએ નવા નક્કોર ડ્રમ ખરીદીને રાખ્યા છે જેમાં તે દારૂની બોટલોને બોક્સથી અલગ કરીને ડ્રમમાં ભરી દે છે. ડ્રમમાં બોટલ ભરી દીધા બાદ તેનુ ઢાંકળ સીલ પેક મારી દે છે. ડ્રમમાં દારૂની બોટલો મુકી દીધા બાદ તેને બોક્સમાં મુકી દે છે અને બાદમાં ધોળા દિવસે ડીલીવરી કરવા માટે જાય છે.
જ્યારે ટ્રાફિક પોલીસ તેમને રોકે ત્યારે બોક્સમાં કેમિકલ હોવાનું કહીને છટકી જાય છે. અમદાવાદમાં ચાંદખેડામાં સ્ટેટ મોનીટરીંગ સેલે આ ડ્રમમાં દારૂનો પર્દાફાશ કર્યો હતો જ્યારે હવે શાહીબાગમાં પણ આજ મોડસઓપરેન્ડી સામે આવી છે.