નવીદિલ્હી,
જેટ એરવેઝના ભાવિ અંગેની અનિશ્ર્ચિતતા વચ્ચે એરલાઇનના બે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેટલાક પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બરોએ પણ રાજીનામું આપી દીધું છે. આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે, એરલાઇનના એન્જિનિયરિંગ અને માનવ સંસાધન વિભાગના વાઇસ પ્રેસિડેન્ટોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ અવેતન રજા પર ગયા છે. હાલમાં અવર-જવર ઠપ થવાની સ્થિતિમાંથી પસાર થઈ રહેલા એરલાઇનના હાજર કર્મચારીઓની સંખ્યાના વિષયમાં તાત્કાલિક રીતે પરિસ્થતિ જાણી શકાતી નથી. જૂન ૨૦૨૧માં જેટ એરવેઝ માટે નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયામાં જાલાન-કાલરોક જોડાણ વિજેતા બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું હતું. આ પછી, એરલાઇનને પુનર્જીવિત કરવાના ઘણા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, હજુ સુધી તે ફરીથી કામગીરી શરૂ કરી શકી નથી. એક વરિષ્ઠ એરલાઇન અધિકારીએ જણાવ્યું હતું કે, પુનર્જીવિત જેટ એરવેઝમાં તમામ હિતધારકો અને ગ્રાહકો માટે વિશાળ સંભાવના છે. જો કે, એરલાઇનના પ્રવક્તાએ આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.