નવીદિલ્હી,
બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના વેવાઈ રાજન નંદાના ભાઈ અનિલ નંદા સાથે કરોડો રૂપિયાની છેતરપીંડીનો કિસ્સો બહાર આવ્યો છે. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે. આ ઠગોએ અત્યાર સુધીમાં સેંકડોને શિકાર બનાવ્યા છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના વેવાઈના ભાઈ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડીનો મામલો બહાર આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ૨૪ ડિસેમ્બરે કેસ નોંધી રવિવારે ત્રણ આરોપી અવનીશ ચંદ ઝા ઉર્ફે તાંત્રિક, ઉર્ફે ગુરુજી, માજીદ અલી અને રાધાકૃષ્ણની ધરપકડ કરી છે.
પોલીસનો દાવો છે કે આરોપી અવનીશ ઝા જમીનની ખરીદ-વેચાણના નામે ઠગાઈ કરવા અને ખંડણી વસુલવાનું કામ કરે છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોને શિકાર બનાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીડિત અનિલ નંદા (ઉ.વ.૭૦) દિલ્હીની ફ્રેન્ડસ કોલોનીમાં રહે છે. તેઓ અવિવાહીત છે અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના જમાઈ રાજન નંદાના ભાઈ છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની દીકરી શ્ર્વેતાના લગ્ન રાજન નંદાના પુત્ર સાથે થયા છે. રાજન નંદા બોલીવુડના લિજેન્ડ એકટર- ડાયરેકટ- નિર્માતા રાજકપૂરના જમાઈ હતા. જેમનું ૨૦૧૮માં નિધન થયું હતું. જયારે ઠગાઈનો ભોગ બનેલ અનિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના વાઈસ ચેરમેન રહી ચૂકયા છે. જેનો દાવો છે કે તેમની સાથે વર્ષ ૨૦૨૦માં છેતરપીંડી થઈ હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે અનિલ નંદા સાથે છેતરપીંડી કરનાર ગેંગ અમીર ધરાનાના વરિષ્ઠોને ટાર્ગેટ બનાવતી હતી. આ ગેંગ સામે દિલ્હી ઉપરાંત હરિયાણા અને નાગાલેન્ડમાં અનેક કેસ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે અનિલ નંદાની મુલાકાત અવનીશ ચંદ્ર ઝા સાથે ૨૦૧૬માં તિહાર જેલમાં થઈ હતી. ઝા ૨૦૧૯માં જેલમાંથી બહાર આવ્યા બાદ બન્ને વચ્ચે મુલાકાતો વધવા લાગી હતી. ઝા એ નંદા પાસેથી પોતાના માટે એક આસીસ્ટન્ટ માંગ્યો હતો. નંદાએ પોતાની સાથે ૩૨ વર્ષ કામ કરી ચૂકેલ સેક્રેટરી રાધાકૃષ્ણનું નામ સૂચવેલું. આરોપ છે કે રાધાકૃષ્ણે બધી જાણકારી ઝાને આપી દીધી, ત્યારબાદ ઈઓડબલ્યુમાં ચેક બાઉન્સનો કેસ નોંધાયાનો ડર દેખાડી પીડિતને બંધક રખાયો હતો. બાદમાં ઠગાઈથી ઘર પર કબજો જમાવી લીધો હતો.