નવીદિલ્હી,
ઑસ્ટ્રેલિયા-આફ્રિકા વચ્ચે બૉક્સિગં-ડે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરે ખાસ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી છે. તેણે પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ૧૦૦ રન બનાવ્યા છે. તે આવું કરનારો ૧૦મો બેટર છે. જ્યારે ઑસ્ટ્રેલિયાનો બીજો ખેલાડી છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે.
વોર્નરની સદીને કારણે શ્રેણીની બીજી મેચમાં ઑસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં છે અને ભારત માટે આ સમાચાર અત્યંત સુખદ ગણી શકાશે. જો દક્ષિણ આફ્રિકા આ મેચ હારી જાય છે તો ભારત માટે ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલનો રસ્તો વધુ મોકળો બની જશે.
ડેવિડ વોર્નરે અંદાજે ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી બનાવી છે. તે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો અને તેને ટીમમાંથી બહાર કરવાની વાતો પણ થઈ રહી હતી. હવે વોર્નરે પોતાના બેટથી સૌનું મોઢું બંધ કરી દીધું છે. મેલબર્નની મુશ્કેલ પીચ ઉપર તેણે પોતાની ટીમને શ્રેષ્ઠ સ્થિતિમાં લાવી દીધી છે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૮૦૦૦ રન પણ પૂર્ણ કરી લીધા છે.
અત્યાર સુધી ૭૩ ક્રિકેટરો એવા છે જેમાં ઓછામાં ઓછા ૧૦૦ ટેસ્ટ મેચ રમ્યા છે પરંતુ માત્ર દસ ખેલાડીઓએ જ પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચમાં સદી બનાવવાની ઉપલબ્ધી હાંસલ કરી છે. ઈંગ્લેન્ડના કોલિન કૉડ્રે પોતાના ૧૦૦મા ટેસ્ટ મેચમાં સદી બનાવનારો પહેલો ખેલાડી હતો. આ પછી પાકિસ્તાનના જાવેદ મીયાદાદે આવું કર્યું હતું.