કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો

  • પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત ૫ લોકો સવાર હતા.

મૈસુર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને મૈસુરથી બાંદીપુર જતા કાર અકસ્માત થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કારમાં સવાર પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. માત્ર પરિવારના સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મૈસુરના ડેપ્યુટી કમિશનર સીમા લટકર અકસ્માતનો ભોગ બનેલા લોકોની હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત ૫ લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુક્સાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને કર્ણાટકના મૈસૂર પાસે મંગળવારે અકસ્માત નડ્યો હતો. અહેવાલ મુજબ, અકસ્માત થયો ત્યારે પ્રહલાદ મોદી તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા. આ અકસ્માત કર્ણાટકના મૈસૂર તાલુકાના કાડાકોલા પાસે ત્યારે થયો હતો. જ્યારે રસ્તા પર આવી રહેલા એક વ્યક્તિને બચાવવા માટે કારના ચાલકે બ્રેક લગાવી હતી. જેના કારણે કાર પૂરપાટ ઝડપે રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. બપોરના સમયે આ અકસ્માત સર્જાયો હતો.