રશિયાની યુક્રેનને ચેતવણી: અમારી વાત માની લો, નહીંતર સેના નિર્ણય લેશે

મોસ્કો,

રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. યુક્રેન પહેલાથી જ આશંકા વ્યક્ત કરી ચૂક્યું છે કે નવા વર્ષ પર વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ ખૂબ જ ખતરનાખ છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ યુક્રેનને ચેતવણી આપી છે. સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે, વાત ખૂબ જ સરળ છે પોતાના ભલા માટે યુક્રેન અમારી વાત માની લે, નહીં તો રશિયન સેના તેનો નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે કીવ સારી રીતે જાણે છે કે મોસ્કોનો પ્રસ્તાવ તેના હિતમાં છે.

મળતી માહિતી મુજબ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સોમવારના રોજ કહ્યું હતું કે, ’યુક્રેન સાથેના અમારા પ્રસ્તાવોમાં વહીવટીતંત્ર દ્વારા નિયંત્રિત પ્રદેશોનું ડિમિલિયરાઈઝેશન અને ડિમોનેટાઈઝેશન, રશિયાના સાર્વભૌમત્વ માટેના જોખમોને દૂર કરવા, અમારી નવી જમીનો પાછી મેળવવાનો સમાવેશ થાય છે. વાત ખૂબ જ સરળ છે- યુક્રેન પોતાના ભલા માટે તેને પૂર્ણ કરે. નહીંતર રશિયન સેના દ્વારા આ મુદ્દાઓનો નિર્ણય લેવામાં આવશે’.

સપ્ટેમ્બરમાં મોસ્કોએ જાહેરાત કરી હતી કે તેણે યુક્રેનના ૪ પ્રાંતો- ડોનેટ્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસનને કહેવાતા લોકમત યોજ્યા પછી કબજે કર્યા હતા. આ દાવાને કીવ અને તેના સહયોગીઓ દ્વારા નકલી અને ગેરકાયદેસર તરીકે નકારી કાઢ્યો હતો. ગત રવિવારના રોજ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મોસ્કો વાતચીત માટે તૈયાર છે પરંતુ ચર્ચાના અભાવ માટે કિવ અને તેના પશ્ર્ચિમી સમર્થકોને દોષી ઠેરવ્યા છે. લાવરોવે કહ્યું હતુ કે, જ્યારે વાત આવે છે કે સંઘર્ષ કેટલા સમય સુધી ચાલશે, બોલ સરકારના કોર્ટમાં છે અને તેની પાછળ વોશિંગ્ટન છે. તમને જણાવી દઈએ કે, ૧૧માં મહિનામાં પ્રવેશી ચૂકેલા આ યુદ્ધનો કોઈ અંત નથી. આ મહાયુદ્ધે હજારો લોકોના જીવ લીધા છે, લાખો લોકો વિસ્થાપિત કર્યા છે અને શહેરોને કાટમાળમાં ફેરવી નાંખ્યા છે.